અમદાવાદમાં મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલની ખોટ 100 કરોડ, આવક માત્ર 25 કરોડ,
અમદાવાદઃ શહેરના વીએસ હોસ્પિટલની બાજુમાં મ્યુનિ.કોર્પોરેશને કરોડો રૂપિયાના ખર્ચે અદ્યત્તન બહુમાળી હોસ્પિટલ બનાવી છે. આ હાસ્પિટલમાં સારવારનો દર વધુ હોવાથી અગાઉ વિવાદ પણ થયો હતો. હાલ આ હોસ્પિટલ વર્ષે દહા’ડે 100 કરોડની ખોટ કરી રહી છે. હોસ્પિટલની આવક માત્ર 25 કરોડની છે.આ હોસ્પિટલમાં ડોક્ટરો, મેનપાવર સપ્લાય એજન્સીઓ, સિક્યોરીટી એજન્સી, હાઉસકિપીંગ એજન્સી વગેરે પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી એએમસી સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલ હવે કોર્પોરેશન અને સરકાર માટે ધોળો હાથી સમાન સાબિત થઈ છે. રૂપિયા 800 કરોડથી વધુના ખર્ચે SVP હોસ્પિટલ બનાવવામાં આવી છે પરંતુ, દર વર્ષે 100 કરોડ રૂપિયાની ખોટ હોસ્પિટલને થઈ રહી છે. સસ્તા દરે દર્દીઓને સારવાર મળી રહે તેના માટે હેલીપેડવાળી હોસ્પિટલ બનાવવામાં આવી છે પરંતુ, આ હોસ્પિટલની ખોટ રોજબરોજ વધતી જાય છે. SVP હોસ્પિટલની વર્ષ 2022-23ની આવકમાં હોસ્પિટલની ફીની આવક માત્ર 21.47 કરોડ થઈ છે, જ્યારે અન્ય આવક 2.54 કરોડ થઈ છે. આમ, હોસ્પિટલની આવક માત્ર 25 કરોડ રૂપિયા છે, જેની સામે 100 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
સૂત્રોના કહેવા મુજબ SVP હોસ્પિટલનાં બિલ્ડીંગ સિવિલ વર્ક પાછળ જ 465 કરોડ જેટલી જંગી રકમ ખર્ચવામાં આવી છે. આધુનિક મેડિકલ ઇક્વિપમેન્ટ વગેરે પાછળ થયેલો ખર્ચ રૂ. 400 કરોડથી વધુનો થયો છે. આમ, 800 કરોડથી વધુના ખર્ચે આ હોસ્પિટલ બની છે. વી.એસ.હોસ્પિટલને પણ આધુનિક સાધનોથી સજ્જ કરવામાં આવી હતી અને હજારો દર્દીઓને રાહત દરે સારવાર મળી રહેતી હતી. દર વર્ષે હોસ્પિટલમાં આવકની જગ્યાએ ખોટ વધારે થતી જોવા મળી રહી છે. કોંગ્રેસના કોર્પોરેટર નિરવ બક્ષીએ હોસ્પિટલની માંગેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, ડોક્ટરો, મેનપાવર સપ્લાય એજન્સીઓ, સિક્યોરીટી એજન્સી, હાઉસકિપીંગ એજન્સી વગેરે પાછળ વર્ષ 2022- 23માં 52 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. દર્દીઓને ભોજન આપવા પાછળ માત્ર 16 લાખનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.