Site icon Revoi.in

ગાંધીનગરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દેશનું પ્રથમ ‘EV રેડી કેપિટલ સિટી’ બનાવાશે

Social Share

ગાંધીનગરઃ દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વધતા જાય છે. તેથી ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો થઈ રહ્યો છે. ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર પણ સબસિડી આપી રહી છે. એટલું જ નહીં ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે પણ સ્ટેશનો ઊભા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગાંધીનગર શહેર ઇલેક્ટ્રિક વ્હિકલ પોલીસી તૈયાર કરવામાં આવી રહી છે. આ પોલીસીના અમલ મારફતે ગાંધીનગરને દેશનું પ્રથમ ઇવી રેડી કેપિટલ સિટી બનાવવાની કવાયત હાથ ધરાશે. આ માટેની પ્રથમ બેઠક તાજેતરમાં મેયર હિતેષ મકવાણા અને મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાઘેલાની ઉપસ્થિતિમાં મળી હતી.

રાજ્યના પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં પણ ઈલેક્ટ્રિક વાહનો વધી રહ્યા છે.  રાજ્યમાં પણ હાલ ઇલેક્ટ્રીક ટુ વ્હિલર, થ્રી વ્હિલર અને ફોર વ્હિલરમાં અનેક ઓપ્શન કંપનીઓ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. સ્પર્ધા વધવાને કારણે ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પણ શરૂઆતની સરખામણીએ ઘણી વ્યાજબી થઇ છે. પરંતુ હજુ ઇલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ સિમિત રહેવાનું કારણ એ છે કે શહેરોમાં ચાર્જીંગ સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ નથી. જે નાગરિકો ફ્લેટમાં રહે છે તેઓ પોતાનું વ્હીકલ ઘરે ચાર્જ કરી શકતા નથી. ઉપરાંત બહારથી ઇલેક્ટ્રીક કાર લઇને આવતા લોકોને પણ સ્થાનિક કક્ષાએ ચાર્જીંગની ફેસેલિટી મળતી નથી. આથી ગાંધીનગર શહેરમાં સીએનજીની જેમ ઇવી ચાર્જીંગના સ્ટેશનો વિકસાવવા માટે ગાંધીનગર મ્યુનિ,કોર્પોરેશને બીડું ઝડપ્યું છે.

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની તાજેતરમાં મળેલી બેઠકમાં ચાર્જીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરતી કંપનીના પ્રતિનિધિઓને પણ હાજર રાખવામાં આવ્યા હતા. આ કંપનીએ રાજકોટ અને વડોદરામાં ચાર્જીંગ સ્ટેશનો વિકસાવવા માટે ત્યાંની  મ્યુનિ સાથે એગ્રીમેન્ટ કર્યા છે. આ પદ્ધતિથી આવનારા દિવસોમાં ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન પણ એગ્રીમેન્ટ કરશે. મેયર હિતેષ મકવાણાએ કહ્યું કે શહેરમાં લોકો વધુમાં વધુ ઇલેક્ટ્રીક વાહનો તરફ વળે તે માટે ચાર્જીંગ સ્ટેશનો વિકસાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન પહેલ કરી રહ્યું છે. આ માટે હાલ ક્યા ક્યા સ્થળોએ ચાર્જીંગ સ્ટેશન બની શકે, કેટલી જગ્યા જોઇએ, સ્થાનિક નાગરિકો અને બહારથી આવતા વાહનચાલકોને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી સ્થળોની પસંદગી કરવામાં આવશે. ગાંધીનગરમાં સૌથી સરળ, શ્રેષ્ઠ અને નાગરિકોને પરવડે તે પ્રકારની ચાર્જીંગ ફેસેલિટી ઉભી કરવામાં આવશે. આ તમામ કામગીરી કંપની દ્વારા કરવામાં આવશે.મ્યુનિ.કોર્પોરેશનને કોઇ ખર્ચ કરવાનો રહેતો નથી. જે સ્થળો નક્કી થાય ત્યાં ચાર્જીંગ સ્ટેશન માટે જગ્યા આપવાની રહેશે.

આ બેઠકમાં ગાંધીનગર શહેરમાં ઇલેક્ટ્રીક વ્હીકલની સંખ્યા અંગે પણ વિસ્તૃત ચર્ચા થઇ હતી. ટુ વ્હીલર, ફોર વ્હીલર અને થ્રી વ્હીલર મળીને હાલ શહેરમાં માત્ર 3200 જેટલા જ ઇલેક્ટ્રીક વ્હીકલ છે. ઇલેક્ટ્રીક વ્હીકલનો વપરાશ ઓછો હોવાનું કારણ એકમાત્ર ચાર્જીંગ સુવિધાનો અભાવ હોવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેથી ઇવીનો વ્યાપ વધારવા માટે શહેરની અલાયદી ઇવી પોલીસી બનાવાઇ રહી છે. જે અંતર્ગત ચાર્જીંગ ફેસેલિટી ઉભી કરાશે. મેયર હિતેષ મકવાણાએ કહ્યું કે ઇવી માટેનું ચાર્જીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટેના આયોજનમાં કોઇ કચાશ ન રહે અને તમામ પ્રકારે સારી રીતે પ્લાનીંગ કરી શકાય તે માટે આગામી દિવસોમાં મ્યુનિ.ની ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખની સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે અને તમામના સૂચનો મેળવવામાં આવશે. તે પછી તમામ બાબતોની પુરતી ચકાસણી કર્યા બાદ કંપની સાથે એગ્રીમેન્ટ કરવામાં આવશે.