રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી કરવેરા વસુલાત માટે ઝંબેશ શરૂ કરવામાં આવી છે. વારંવાર નોટિસ આપવા છતાયે મિલક્ત વેરા ન ભરતા કરજદારો સામે અંતીમ શસ્ત્ર અપનાવવામાં આવ્યું છે. બાકી વેરાદારના મકાનનું નળ જોડાણ કાપવાનો પ્રારંભ કરી દીધો છે. જેમાં મોરબી રોડ પર એક મિલકતનું નળ જોડાણ કાપવામાં આવતા તરત જ રૂ.4.40 લાખની વસુલાત થઈ હતી. મ્યુનિ.એ બે મિલકત સીલ કરી 19 મિલકતના માલિકોને જપ્તીની નોટિસ ફટકારવામાં આવી હતી. મ્યુનિ.એ કડક કાર્યવાહી કરતા એક જ દિવસમાં રૂ.8.56 લાખની વસુલાત થઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ આરએમસીના વેરા વસૂલાત શાખાએ છેલ્લા દસેક દિવસથી બાકી વેરો વસૂલવા માટે ઝુંબેશ શરૂ કરી છે. નોટિસ આપવા છતાંયે મિલક્ત વેરો ન ભરનારા મિલક્તધારકો સામે નળના જોડાણો કાપવામાં આવી રહ્યા છે. જેમાં વોર્ડ-8માં મોરબી રોડ પરની એક મિલકતનું નળ જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું. વેરા વસૂલાત શાખા માટે નળ જોડાણ કાપવું એ અંતીમ શસ્ત્ર છે. જેનો ઉપયોગ પહેલી વખત કરવામાં આવ્યો હતો. એટલે કે હવે નળ જોડાણ કાપવાના શસ્ત્રનો ઉપયોગ કરી વેરાની રકમ વસૂલવામાં આવશે.
આ ઉપરાંત કરવેરા ઝૂંબેશ દરમિયાન 2 મિલકતો સીલ કરવામાં આવી હતી. 19 મિલકતના માલિકોને જપ્તીની નોટિસ આપવામાં આવી હતી. તેમજ અલગ-અલગ જગ્યાએથી વેરાની રકમ પેટે રૂ. 8.56 લાખની વસૂલાત કરવામાં આવી હતી. આરએમસી દ્વારા શરૂ કરવામાં આવેલી કડક કાર્યવાહીને લઈને લાંબા સમયથી વેરો ન ભરતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. જોકે, સામાન્ય લોકો સામે કડક પગલાં લેતું મનપાનું આ તંત્ર સરકારી મિલકતોનાં કરોડોનાં બાકીવેરા મુદ્દે માત્ર નોટિસ આપી સંતોષ માની લે છે અને આવી મિલકતોનાં નળ જોડાણ કાપવાની હિંમત કરી શકતું નથી.