રાજકોટઃ શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકો મિલકતવેરો ભરતા નથી. આરએમસી દ્વારા વેરો ભરવાની નોટિસ આપવા છતાંયે મિલક્ત વેરો ભરવામાં કેટલાક મિલકતધારકો આળસ દાખવી રહ્યા છે. ત્યારે આરએમસી દ્વારા સીલિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત રહેણાક વિસ્તારોમાં બાકી વેરો વસુલવા માટે નળ-ગટરના જોડાણો કાપવાની ચીમકી પણ આપવામાં આવી છે. શહેરના ત્રણેય ઝોનમાં ટેક્સ રીકવરી સેલની ટીમને ઉતારવામા આવી છે અને 50 હજારથી વધુ વેરો બાકી હોય તેવા બાકીદારોનું હીટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. એ પૈકી આજે વધુ 14 મિલકતને તાળા મારી દેવામાં આવ્યા હતાં. ઉપરાંત 18 બાકીદારોને ટેક્સ ચુકવવામા નહીં આવે તો મિલકત હરાજી કરીને વેરો વસુલાશે તેવી નોટિસ પણ આપવામાં આવી હતી. તેમજ વધુ 22.38 લાખનો બાકી વેરો વસુલવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરમાં મ્યુનિ.દ્વારા વેરા વસુલાત ઝૂંબેશ આદરવામાં આવી છે. દરેક વોર્ડમાં બાકી ટેક્સ વસુલાત માટે જુદા જુદા અધિકારીનો જવાબદારી સોંપવામાં આવી છે. અને વેરા વસુલાત માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ઉપરાંત શહેરના સ્વચ્છ બનાવવા માટે પણ સફાઈ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. “નિર્મળ ગુજરાત 2.0”અંતર્ગત શહેરના વોર્ડ નં.1થી 18માં વન-ડે, વન-વોર્ડ મુજબ સફાઈ મહા ઝુંબેશ તા. એપ્રિલ-2024 સુધી હાથ ધરવામાં આવી છે. વન ડે વન વોર્ડ મુજબ સફાઈ સહિતના કાર્યક્રમો હાથ ધરાશે.
રાજકોટ મનપા દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુકત કરવા ઉપરાંત લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે રાજકોટ મ્યુનિ.ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં બુધવારે ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા તેમજ કચરો ફેંકતા વધુ 22 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરી કુલ 8.1 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. સાથે જ શહેરના 107 ન્યુસન્સ પોઇન્ટ પરથી 20.1 ટન કચરાનો નિકાલ કરાયો હતો. જ્યારે રાજકોટના વિવિધ એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પરથી 4.15 ટન કચરો એકત્ર કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.