રાજકોટમાં મ્યુનિ. કોર્પોરેશનની કચેરીમાં પશુઓ માટેની પરમિટ કઢાવવા પશુપાલકોની લાઈનો લાગી
રાજકોટઃ શહેરમાં રખડતા ઢોર સામે મ્યુનિ કોર્પોરેશન દ્વારા પોલીસી બનાવવામાં આવી છે. જે મુજબ શહેરમાં માલ-ઢોર સાથે વસવાટ કરતા પશુપાલકોએ મ્યુનિ.માંથી પરમિટ લેવી ફરજિયાત છે. પરમીટ વગરના પશુ શહેરમાં ન રહેવા દેવાના નિયમનો સોમવારથી કડક અમલ શરૂ થવાનો છે. ત્યારે કેટલાક દિવસથી આરએમસીના એએનસીડી વિભાગમાં પરમિટ માટેની અરજી કરવા માલધારીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આરએમસીને છેલ્લા 10 દિવસમાં 500થી વધુ અરજીઓ મળતા તેની ચકાસણી શરૂ કરાઇ છે આજે શનિવારે અરજી સ્વીકારવાનો છેલ્લો દિવસ છે. શહેરમાં પશુપાલકો પાસે પોતાની પશુ બાંધવાની જગ્યા ન હોય તેમને પોતાના પશુ શહેરની હદ બહાર ખસેડી લેવા વધુ એક વખત ચેતવણી આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં 10 દિવસ પહેલા મ્યુનિ.એ પશુપાલકોને અંતિમ ચેતવણી આપતી જાહેર નોટિસ જાહેર કરી હતી. હવે તા. 1-1-2024થી શહેરમાં જે પશુ માલિકોએ જે-તે ઢોર માટેનું લાયસન્સ અને પરમીટ મેળવ્યા હશે તે પશુઓ જ પરવાનગીવાળી જગ્યાએ રાખી શકશે. નવા વર્ષના પ્રથમ દિવસથી શહેરમાં રસ્તે રખડતા ઢોર જોવા ન મળે તેવી કાર્યવાહી કરવા આરએમસીએ નિર્ધાર કર્યો છે. આરએમસીના નાયબ કમિશનરે આપેલી અંતિમ ચેતવણી બાદ માલધારીઓ પણ સતર્ક બન્યા છે. પરમીટ માટેની લાંબી લાઈનો જોવા મળતા માત્ર 10 દિવસમાં 500 કરતા વધુ અરજીઓ આવી ચૂકી છે. હજુ પણ માલધારીઓ પરમીટ કઢાવવા માટે લાઈનો લગાવી રહ્યા છે.
આ અંગે આરએમસીના વેટરનરી ઓફિસરે જણાવ્યું હતું કે, પશુ માલિકે ઘરે ઢોર રાખવા માટે ચાર્જ સાથે પરમીટ લેવાની રહેશે અને મંજૂરીથી વધુ ઢોર હોય તો દંડનીય કાર્યવાહી કરવાની રહેશે. દૂધના વેચાણ જેવો વ્યવસાય કરનારા પશુમાલિકે લાયસન્સ લઈને રિન્યુ કરાવવાનું થશે. જેની મુદત ત્રણ વર્ષની નક્કી કરવામાં આવી છે. પરમીટ લાયસન્સના આધારે ઢોરને ચીપ લગાવવાની કામગીરી થશે. કોઈ પશુપાલક શહેર બહારથી ઢોર લાવે તો તેમણે નોંધણી કરાવવાની રહેશે. નિયમના અમલ બાદ ચાર મહિનામાં ટેગ લગાડવામાં નહીં આવે તો ઢોર પકડીને શહેર બહાર મોકલી દેવામાં આવશે અને માલિક સામે પણ કાર્યવાહી થશે. માલિકીની જગ્યા ન હોય તેણે બે મહિનામાં પશુને બહાર અથવા એનિમલ હોસ્ટેલમાં મોકલી આપવાના રહેશે. હવે શહેરમાં ઢોર બીજી વખત પકડાય તો દોઢ ગણો, ત્રીજી વખત પકડાય તો બે ગણો દંડ થશે. છતાં એકને એક માલિકનું પશુ ફરી પકડાય તો પરમીટ રદ કરી કાયમી ધોરણે જપ્ત કરવા સુધીના કડક પગલાં ભરાશે.