- 75000થી વધુ વેરા બાકી હોય એવા કરદાતાઓને નોટિસ,
- સિલિંગ ઝૂંબેશ હાથ ધરીને કડક ઉઘરાણી કરાશે,
- 10 હજાર કોમર્શિયલ પ્રોપર્ટીધારકો પાસે કરોડો રૂપિયાનો વેરો બાકી
રાજકોટઃ શહેરમાં દિવાળીના મીની વેકેશન બાદ હવે લાભ પાંચમથી વેપાર ધંધાઓ પુનઃ ધમધમતા થશે. શહેરની મ્યુનિ. કચેરીમાં પણ રજાઓ પૂર્ણ થતાં રાબેતા મુજબ કામગીરી શરૂ થઈ છે. હવે નવેમ્બરમાં મ્યુનિની આવક વધારવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેમાં ઘણાબધા પ્રોપ્રટીધારકોના કરોડો રૂપિયાનો ટેક્સ બાકી છે. જેથી થોડા દિવસમાં પ્રોપર્ટી ટેક્સ વસુલાત ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. હાલ 75000થી વધુ વેરો બાકી હોય એવા કરદાતાઓને નોટિસ પાઠવવામાં આવી છે. અને હવે સિલિંગ ઝૂંબેશ પણ શરૂ કરવામાં આવશે.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનનો આવકનો મુખ્ય સ્ત્રોત મિલકત અને પાણી વેરો છે. ચાલુ વર્ષે રૂ. 300 કરોડથી વધુ વેરો વસૂલ થઈ ચૂક્યો છે. પરંતુ હજુ પણ લક્ષ્યાંક ઘણો દૂર છે, અને માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે. જેને લઈને મ્યુનિના વેરા વિભાગ દ્વારા દિવાળીનાં તહેવારો બાદ વેરા વસૂલ કરવા માટેની કડક ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં આ માટે રૂ. 75,000થી વધુ વેરો બાકી હોય તેવા હજારો કરદાતાઓને નોટિસ પણ પાઠવી દેવામાં આવી છે. ત્યારે દિવાળી બાદ સિલિંગ ઝુંબેશ હાથ ધરી મિલકતો સીલ અને જપ્ત કરવા સુધી કડક કાર્યવાહી કરવામાં આવશે.
આરએમસીના વેરા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં કુલ 5.40 લાખ મિલકતો નોંધાયેલી છે. એપ્રિલથી જૂન દરમિયાન જાહેર કરવામાં આવતી વેરા વળતર યોજનાનો લાભ લઈને આ પૈકી 50% જેટલા પ્રામાણિક કરદાતાઓ તેનો વેરો ચૂકવ્યો છે. જેમાં 3,64,193 કરદાતાઓએ રૂપિયા 300 કરોડ જેટલો વેરો જમા કરાવ્યો છે. જેમાં કુલ 1.15 લાખ કરદાતાઓએ કેશ અને ચેકથી રૂ. 131.50 કરોડ અને 2.50 લાખ કરદાતાઓ દ્વારા રૂ. 168 કરોડ જેટલી રકમ ઓનલાઈન ભરવામાં આવી હતી. દિવાળીનાં તહેવારો પૂર્વે રહેણાંક અને બિન રહેણાંકનાં રૂ.75,000 કરતા વધુ વેરો બાકી હોય તેવા કુલ 10,758 લોકોને વેરા વિભાગના સ્ટાફ દ્વારા રૂબરૂ અને પોસ્ટ દ્વારા ડિમાન્ડ નોટિસો મોકલવામાં આવી છે. જેમાંથી જપ્તીની અને સિલિંગની કાર્યવાહી કરતા 550 જેટલા કરદાતાએ વેરાની રકમ ભરપાઈ કરી હતી. આ ઉપરાંત 1065 એવા બાકીદારો કે જેમનો રૂ. 1 લાખથી વધુ વેરો બાકી હોય તેને જપ્તીની નોટિસ આપવામાં આવી ચૂકી છે. દિવાળી પછી એટલે કે, લગભગ લાભપાંચમ બાદ જપ્તી નોટિસ મળવા છતાં વેરો નહીં ભરનારા આસમીઓની મિલકતો જપ્ત અથવા સીલ કરવામાં આવશે. રહેણાંક ઉપરાંત કોમર્શિયલ 10,000 કરતા વધુ મિલકતોને ડિમાન્ડ નોટિસ આપવામાં આવી હતી.