સુરતઃ શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કૂતરાના ખસીકરણ પાછળ લાકો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ કૂતરાની વસતીમાં વધારો થયો જાય છે. શહેરમાં તાજેતરમાં વરાછા વિસ્તારમાં બાળકી પર શ્વાને કરેલા હુમલા બાદ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. રખડતા શ્વાન ફરી કોઈને નિશાન ના બનાવે તે માટેની રજૂઆતો થયા પછી હવે સુરત મહાનાગરપાલિકાએ ફરી એકવાર રખડતા શ્વાનોને પકડીને ખસીકરણની કામગીરી હાથ ધરી છે. શહેરમાં રખડતા કૂતરાઓના ખસીકરણ માટે છેલ્લા પાંચ વર્ષમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, આમ છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરા લોકો માટે ચિંતાનું કારણ બની રહ્યા છે. આમ થવાથી મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા કૂતરાના ખસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ એનિમલ વેલફેર ટ્રસ્ટની કેટલીક પાબંદીઓ અને જીવદયા પ્રેમીઓની વોચના કારણે સુરત મ્યુનિ. તંત્રના હાથ બંધાયેલા છે. શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે, જેને ટાળવા માટે મ્યુનિ. દ્વારા છેલ્લા 5 વર્ષમાં 37 હજાર કૂતરાઓનું ખસીકરણ કર્યુ છે, આમ છતાં કૂતરાઓની સંખ્યા સતત વધારો થઈ રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા ખસીકરણની કામગીરી પાછળ 5 વર્ષમાં 45 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ કહ્યુ હતું કે, સુરત મ્યુનિ.કોર્પોરેશન પ્રજાના હિત અને લાભાર્થ માટે કામ કરે છે, માટે તેના માટે ખર્ચ માટે કોઈ મોટી વિશેષતા હોતી નથી. સુરત, ગુજરાત અને કેન્દ્રની ટ્રિપલ એન્જિન સરકાર લોકો માટે કામ કરે છે. આમ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિ. રખડતા શ્વાનના મુદ્દે પણ જરુરી પગલા ભરશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સુરત શહેરમાં રખડતા કૂતરાની સંખ્યામાં ઘટાડો થાય તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ છતાં લોકો પર કૂતરા દ્વારા કરાતા હુમલાના કિસ્સાને કાબૂમાં કેમ નથી લાવી શકાતા તેવો લોકો દ્વારા સવાલ કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં સિવિલમાં ડોગ બાઈટના નવા-જૂના મળી 50થી 60 કેસ આવે છે. જે સંખ્યા શિયાળા દરમિયાન 100ની આસપાસ પહોંચી જતી હોય છે. ડોગ બાઈટના ગંભીર પ્રકારના કેસમાં સિવિલ જેવી સરકારી હોસ્પિટલમાં 5થી 6 હજારની કિંમતના ઇમ્યુનોગ્લોબ્યુલીન નામના 6 ઇન્જેક્શન વિનામૂલ્ય આપવામાં આવે છે. કૂતરાના કરડ્યા પછી દર્દીને સમયસર સારવાર ના મળે તો તે હાયડ્રો અને ફોટો ફોબિયાનો પણ શિકાર બની શકે છે. સુરત મ્યુનિ. દ્વારા એક કૂતરાનાં ખસીકરણ પાછળ રૂપિયા 1350નો ખર્ચ કરવામાં આવે છે. 5 વર્ષમાં 37 હજાર કૂતરાના ખસીકરણ પાછળ અંદાજે 45 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ, લાખો રૂપિયાનો ધૂમાડો કરવા છતાં ડોગ બાઇટના કેસને નિયંત્રણ કરવામાં સુરત મ્યુનિ.નું તંત્ર નિષ્ફળ સાબિત થયું છે એવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. (file photo)