ભાવનગરઃ જિલ્લાના પાલિતાણા શહેરમાં અને તેની આજુબાજુ કેટલાક માથાભારે લોકોએ સરકારી જમીનો પર દબાણો કરેલા છે. સરકારની માલિકીની કરોડો રૂપિયાની લાખો ફૂટ જાહેર જમીનો પણ થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા સ્થાનિક તંત્ર ટૂંકું પડતું હોય તેમ માત્ર ને માત્ર અવારનવાર નોટિસો સિવાય કોઈ કાર્યવાહી થતી જોવા મળતી નથી પરિણામે દબાણનો વિવાદ યથાવત રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાલિતાણા શહેર અને તેની આજુબાજુના વિસ્તારોમાં સરકારી જમીનો પર મોટાપાયે દબાણો થયેલા છે. દબાણો કરનારા માથાભારે લોકો કોઈને ગાઠતાં નથી. કેટલીક સરકારી જમીનો પર પાકા બાંધકામો પણ કરી દેવાયા છે. આવા દબાણો દૂર કરવા ઉચ્ચ તંત્ર સ્થાનિક તંત્રને એકાદ વર્ષથી હુકમ કરવામાં આવે છે પણ સ્થાનિક તંત્રના અધિકારીઓની હિંમત ચાલતી નથી.પાલીતાણા ડીપી કપાતમાં આવતા કે ટીપી સ્કીમના રસ્તાઓને પહોળા કે ખુલ્લા કરાવી શકતા નથી. ઉચ્ચકક્ષાએથી સ્પેશિયલ ઓફિસર દ્વારા દબાણ તેમજ અન્ય મોટા દબાણો ખુલ્લા કરાવવા એક એક્શન પ્લાન ઘડાય અને પોલીસની મદદથી દબાણો દુર કરવામાં આવે તેવી લોકો માગણી કરી રહ્યા છે.
પાલિતાણા નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, શહેરના નગરપાલિકા વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને હજુ પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી તમામ તંત્રને સાથે રાખીને કરવામાં આવશે. જ્યારે શહેર બહારના વિસ્તારો જ્યા નગરપાલિકાની હદ આવતી નથી. તે વિસ્તારોમાં સરકારી જમીનો પર થયેલા દબાણો દુર કરવાની જવાબદારી સરકારની છે.