અમદાવાદઃ શહેરમાં ડામરના રોડ બનાવવામાં ધારાધોરણનું પાલન કરવામાં આવતું ન હોવાથી ચોમાસા દરમિયાન પ્રથમ વરસાદે રોડ તૂટી જાય છે. મ્યુનિના ભાજપના શાસકોથી લઈ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે રોડની ગુણવત્તા ગુણવતા જળવાતી નથી, જેના કારણે રોડ તૂટી જાય છે અને પ્રજાના કરોડો રૂપિયા વેડફાઈ જાય છે. મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને શહેરના સાત ઝોન અને રોડ પ્રોજેકટનાં અધિકારીઓને હવેથી મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમો ઉપરાંત રાજ્ય સરકારનાં માર્ગ અને મકાન વિભાગની ગાઇડલાઇન મુજબ જ રોડ રિસરફેસ કરાવવા સૂચના આપી છે. અધિકારીઓએ સાઈટ પર વિઝીટ કરી અને તમામ પ્રકારની માહિતી ઓનલાઈન એપ્લિકેશન SMART CITY 311માં ફોટા સાથે અપલોડ કરવાની રહેશે.
અમદાવાદમાં મ્યુનિ.કમિશનરનો ચાર્જ સંભાળ્યા બાદ મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન શહેરમાં સ્વચ્છતા અને રોડની ગુણવત્તા સુધારવાના કામે લાગ્યા છે. નબળા રોડ માટે કોન્ટ્રક્ટરો જ નહીં પણ મ્યુનિ.ના અધિકારીઓને જ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. મ્યુનિ.નાં સાત ઝોનમાં તથા રોડ પ્રોજેકટ ખાતા દ્વારા રોડ રિસરફેસની કામગીરી માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે, તેમાં ચોક્કસ અને કડક નિયમોની જોગવાઇ કરવામાં આવતી નથી. જેના કારણે કોન્ટ્રાકટરો અને ઇજનેર ખાતાનાં અમુક અધિકારીઓ મિલીભગત આચરીને હલકી ગુણવત્તાનાં રોડ બનાવે છે, જે દર ચોમાસામાં તૂટી જતાં હોય છે અને કરોડો રૂપિયા વેડફાઇ જાય છે. આથી મ્યુનિ.કમિશનરે પરિપત્ર કરવો પડ્યો છે. જેમાં રોડ રિસરફેસ કરતાં પહેલાં તમામ પ્રકારના ટેસ્ટ પીએમસીનાં પ્રતિનિધિની હાજરીમાં કરવાનાં રહેશે. જેની ખરાઇ પ્લાન્ટ ખાતેનાં કોર્પોરેશનના ઇજનેર ખાતાનાં અધિકારીએ કરવી પડશે.
અમદાવાદના મ્યુનિ.કમિશનરે સંલગ્ન વિભાગના અધિકારીને એવી સુચના આપી છે કે, ઇજનેર ખાતાનાં અધિકારીઓએ રોડ રિસરફેસ થયાં હોય તેની મેઝરમેન્ટ બુકમાં તમામ ટેસ્ટનાં સર્ટિફિકેટની ચકાસણી કર્યા બાદ જ સહિ કરવાની રહેશે. રોડ રિસરફેસ માટે કોન્ટ્રાકટરનાં હોટમિક્સ પ્લાન્ટ ખાતેનુ રજીસ્ટર, હોટમિક્સ મટીરીયલનાં વપરાશનુ સાઇટનુ રજીસ્ટર તથા યુટીલિટી રજીસ્ટર નિભાવવા પડશે. જેથી હવે રોડનાં મટીરીયલમાં ગરબડથી ખાડા પડશે તો સહિ કરનાર પીએમસી અને ઇજનેર ખાતાનાં કર્મચારી અધિકારીઓ જવાબદાર ગણાશે. રોડ રિસરફેસની કામગીરી પૂર્ણ થયાં બાદ ચોમાસા પહેલાં અને ચોમાસા પછીનુ પત્રક નિભાવવુ પડશે. ડિફેક્ટ લાયેબિલીટી મુદત પૂરી થયાં પછી રોડની ચકાસણીનુ પત્રક તૈયાર કરવાનુ રહેશે અને ડિફેક્ટ લાયેબિલીટીમાં આવતાં રોડની વિગતો મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ અને SMART CITY 311 એપ્લિકેશન ઉપર મુકવી પડશે.