Site icon Revoi.in

અમદાવાદમાં 33 માળ સુધીના બિલ્ડિંગોમાં આગ બુઝાવવા માટે મ્યુનિ. દ્વારા બે બુમ ટાવર ખરીદાશે

Social Share

અમદાવાદઃ  શહેરમાં અનેક હાઈરાઈઝ બિલ્ડિંગો છે. અને હવે તો 33 માળ સુધીની ગગનચુંબી ઈમારતો બની રહી છે. ત્યારે આવી ઈમારતોમાં કોઈ આકસ્મિત આગ લાગે ત્યારે 33માં માળ સુધી પહોંચીને આગ બુઝાવી શકાય તે માટે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને આગોતરૂ આયોજન કર્યું છે. અને મ્યુનિ.દ્વારા ફાયર વિભાગ માટે બે બુમ ટાવર ખરીદવામાં આવશે. અને એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ મંજુરી આપી દીધી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ફાયર વિભાગ માટે રુપિયા 70 કરોડના ખર્ચે નવા વાહન ખરીદવા તથા રુપિયા 21 કરોડના ખર્ચે વાહનોના મેઈન્ટેન્સના કામને મંજુરી અપાઈ છે.રુપિયા 20 કરોડના ખર્ચથી 70 મીટર ઉંચાઈવાળુ બુમ વોટર બાઉઝર પણ ખરીદવામાં આવશે. શહેરમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગે તો તેને કાબૂમાં લેવા માટે મ્યુનિ. બે બૂમ ટાવર ખરીદશે. આ બૂમ ટાવર 33 માળ સુધીની બિલ્ડિંગમાં આગ બુઝાવવા સક્ષમ હશે. ટાવર 23 માળ સુધી પહોંચી શકશે અને વધુ 30 મીટર ઊંચે સુધી પાણી ફેંકશે. 70 મીટર ઊંચાઈનો બૂમ ટાવર ખરીદવા સ્ટેન્ડિંગ કમિટીએ આ દરખાસ્તને મંજૂરી આપી છે. આ માટે પ્રતિ વાહન દીઠ રૂ.20.66 કરોડનો ખર્ચ થશે.

અમદાવાદ શહેરમાં બહુમાળી ઇમારતોને મંજૂરીઓ આપવામાં આવી રહી છે ત્યારે આવી ગગનચુંબી ઇમારતોમાં જો આગ લાગે તો શું? તેવો સીધો પ્રશ્ન મ્યુનિ. ભાજપે અધિકારીઓને પૂછ્યો હતો. એ પછી રજૂ કરાયેલી દરખાસ્તમાં સ્કાય સ્ક્રેપર બિલ્ડિંગોમાં ફાયરની ઘટનાને પહોંચીવળવા માટે 70 મીટર ઊંચાઇ ધરાવતા બૂમ ટાવર (41 એમટી જીવીડબલ્યુ) કેપેસિટી ચેસીસ પર બેઝ હોય તેવા 2 મશીનો ખરીદાશે. બૂમ ટાવરનું ઉત્પાદન મોટાભાગે યુરોપિયન દેશોમાં થતું હોય છે. આ સિસ્ટમને આવતાં એક વર્ષનો સમય લાગશે. થોડા સમય પછી 140 મીટરની હાઈટના બુમ ટાવરની ખરીદીનું આયોજન છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ફાયર વિભાગ માટે રુપિયા 15.85 કરોડના ખર્ચે 15 હાઈ પ્રેસર મિની ફાયર ફાઈટર ઉપરાંત રુપિયા 11.15 કરોડના ખર્ચે પાંચ વોટર બાઉઝર ખરીદવા મંજુરી આપવામાં આવી છે. પાંચ જેટલા 20 મીટર સુધીની હાઈટના બુમ વોટર બાઉઝર રુપિયા 22.55 કરોડની કીંમતથી ખરીદવામાં આવશે. 70 મીટર ઉંચાઈ ધરાવતુ બુમ વોટર બાઉઝર રુપિયા 20.66 કરોડની કીંમતથી ખરીદાશે. સપ્ટેમ્બર અંત સુધીમાં મોટા ભાગના વાહનો ફાયર વિભાગ પાસે આવી જશે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું, ફાયર વિભાગના સ્ટાફને નવા વાહનો અંગે તાલીમ પણ આપવામાં આવશે. 15 વર્ષથી વધુ જુના વાહનો સ્ક્રેપ કરવામાં આવશે.