અમદાવાદઃ ગુજરાતમાં આજે પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ શહેરને હરિયાળું બવાવવા માટે મ્યુનિ.કોર્પોરેશને 25 લાખ વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો છે. આમ તો દર વર્ષે લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરાતું હોય છે.પણ રોપાનું વાવેતર કરાયા બાદ તેની યોગ્ય માવજત કરવામાં આવતી ન હોવાથી મોટાભાગના રોપા મુરઝાઈ જતાં હોય છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ગાર્ડન વિભાગે પોતાની નર્સરીમાં જ લાખો રોપા તૈયાર કરી એક નવી સિદ્ધિ હાસલ કરી. અમદાવાદને હરિયાળું શહેર બનાવવા માટે દરેક નાગરિક પોતાની સોસાયટી અને ઘરના આંગણમાં વૃક્ષારોપણ કરે તે માટે અભિયાન પણ ચલાવવામાં આવશે. મ્યુનિ.ના ગાર્ડન વિભાગે પોતાની નર્સરીમાં જ લાખો રોપા તૈયાર કરી એક નવી સિદ્ધિ હાસલ કરી છે. માત્ર નિકોલની નર્સરીમાં આઠ લાખ રોપા તૈયાર કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષે મ્યુનિ. દ્વારા 25 લાખ વૃક્ષારોપણનો ટાર્ગેટ મુકવામાં આવ્યો છે. ક્લિન અમદાવાદ ગ્રીન અમદાવાદના લક્ષ્ય સાથે મ્યુનિ, કામ કરી રહી છે.
એએમસીના ગાર્ડન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ નાગરિકોને આપવા માટેના છોડ ખાનગી નર્સરી પાસેથી મેળવવામાં આવતા હતા. પરંતુ ચાલુ વર્ષે એએમસી પોતાની જ નર્સરીના જ રોપાઓ નાગરિકોને આપશે. ક્લિન અમદાવાદ અને ગ્રીન અમદાવાદ અભિયાન શરૂ થયા બાદ શહેરમાં વહેંચણી કરવાના થતા નાના-મોટા છોડ પોતાની જ નર્સરીમાં તૈયાર કરવામાં આવશે. માત્ર નિકોલ નર્સરીમાં જ નાના મોટા થઇ આઠ લાખ રોપા તૈયાર કરાયા છે. નિકોલ ઉપરાંત કોતરપુર, સાયન્સ સીટી, રસાલા સહિતની અન્ય નર્સરીમાં પણ લાખો રોપા તૈયાર કરવામાં આવ્યા છે. કુંડામાં રોપવાના એકદમ નાના છોડથી રોડ પર રોપાઈ શકે એવા 8 ફૂટ લંબાઈ સુધીના છોડ નર્સરીમાં જ તૈયાર કરાયા છે. વર્ષ 2012માં થયેલા સર્વે મુજબ શહેરમાં 4.66 ટકા ગ્રીન કવર હતું, જે વધીને હાલ 12 ટકાથી વધુ થયું છે. શહેરમાં ગીચ જંગલ કહી શકાય એવા નાના મોટા 120થી વધુ સ્થળો પર વૃક્ષારોપણ કરાયું છે
AMC દ્વારા તૈયાર કરવામાં આવેલા જુદી-જુદી જાતના રોપાના નામ પર નજર કરીએ તો, ટેબુબિયા, સ્પેથોડિયા, લીમડો, બિગોનિયા, મહોગની, કચનાર, બદામ, લરજીટોમિયા, અર્જુન સાદડ, બોરસલી, રેન ટ્રી, સિલ્વર ઓક, કદમ, કણજી, આસોપાલવ, સીતા અશોક, જેકેરેન્ડા, ગરમાળો, પિંક કેસિયા, રાયણ, ખાટીઆંબલી, સિશમ, પેંડુલા, ગુલમહોર, પેલતોફોરમ, કાશિદ, ગોરસ આમલી, પામ સહિત અનેક રોપાઓનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં વૃક્ષારોપણ: 2017-18માં 46386, 2018-19માં 84849, 2019-20માં 1166387, 2020-21માં 1013856, 2021-22માં 1282014, 2022-23માં 2075431 વૃક્ષારોપણ કરાયું હતું. જ્યારે 2023-24માં 25 લાખનો લક્ષ્યાંક છે.