અમદાવાદમાં મ્યુનિ.ના ટ્રકે ફુટપાથ પર મહિલાનો ભોગ લીધો, ડમ્પરે ટક્કર મારતા માતા-પૂત્રીનાં મોત
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. સોમવારે શહેરમાં જુદા જુદા બે અકસ્માતોમાં ત્રણના મોત મિપજ્યા હતા. જેમાં વાસણા વિસ્તારમાં એએમસીના સ્વીપર મશીન (ટ્રક)ના ચાલકે પુર ઝડપે વાહન ચલાવીને ફુટપાથ પર ચઢાવી દેતા એક શ્રમજીવી મહિલાનું મોત નિપજ્યુ હતુ. જ્યારે મહિલાના પતિને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે અકસ્માતનો બીજો બનાવ હેબતપુર રિંગ રોડ પર બન્યો હતો. જેમાં એક્ટિવાને પુર ઝડપે આવેલા ડમ્પરે ટક્કર મારતા એક્ટિવાસવાર માતા-પૂત્રીના મોત નિપજ્યા હતા. શહેરમાં ડમ્પરો બેરોકટોક પૂર ઝડપે દોડતા હોવા છતાયે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.
અમદાવાદમાં બે અકસ્માત સર્જાયા હતા જેમાં પ્રથમ અકસ્માતની વિગતો એવી છે. કે, શહેરના વાસણા વિસ્તારમાં જી.બી. શાહ કોલેજ પાસે વહેલી સવારે AMCના સ્વીપર મશીને કાબૂ ગુમાવતા ફૂટપાથ પર ચડી ગયું હતું. સ્વીપર મશીનના તોતિંગ વ્હીલે ફૂટપાથ પર રહેલા દંપતીને કચડી નાખ્યું હતું. જેમાં મહિલાનું મોત થયું હતું. જ્યારે મહિલાના પતિને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સ્વીપર મશીન હેઠળ કચડાયેલા દંપતીની ચીસોથી વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો. મહિલા ફૂટપાથ પર રોટલા બનાવતી હતી અને અચાનક સ્વીપર મશીન તેના માથે ચડી ગયું હતું.
અકસ્માતના બીજા બનાવની વિગતો એવી છે. કે, શહેરના ભાડજ પાસે રહેતી 40 વર્ષીય મહિલા અને 7 વર્ષની દીકરી હેબતપુર રિંગ રોડ પાસેથી એક્ટિવા પર પસાર થઈ રહ્યાં હતાં ત્યારે એક બેફામ ડમ્પરે તેમને અડફેટે લઈ લીધા હતા, જેમાં ઘટનાસ્થળે જ માતા અને દીકરીનાં કરુણ મોત નીપજ્યાં હતાં.
મળતી માહિતી મુજબ, હેબતપુર રિંગરોડ તરફ આવેલા ચાર રસ્તા પાસે ક્રિષ્ના રો-હાઉસ ભાડજ ખાતે રહેતાં માલવિકાબેન ગોસાઈ અને તેમની 7 વર્ષની દીકરી જાનવી એક્ટિવા પર જઈ રહ્યાં હતાં, એ સમયે એક મિક્ષર ટ્રકે આવીને એક્ટિવાને અડફેટે લીધું, જેના કારણે માતા-દીકરી ડમ્પરના ટાયર નીચે ફસાયાં હતાં અને તેમનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માત એટલો ગંભીર અને કરુણ હતો કે આસપાસના લોકો પણ ફફડી ઊઠ્યા હતા. આ ઘટના બાદ ટ્રકનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. આ બનાવ બાદ લોકો આવા વાહનચાલક અને તેને મંજૂરી આપનારા સામે કાર્યવાહી થાય એવી માગ ઉઠાવી રહ્યા છે.