અમદાવાદમાં મ્યુનિની વ્હીકલ ટેક્સ લેવાની સિસ્ટમ 6 દિવસથી બંધ, વાહનોનું પાસિંગ અટકી પડ્યું
અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સિવિક સેન્ટરો પર છેલ્લા છ દિવસથી વ્હીકલ ટેક્સ લેવાની સિસ્ટમ બંધ રહેતા સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં 1500 વાહનોનું પાસિંગ અટકી પડ્યું છે. આ સંદર્ભે મ્યુનિ. કોર્પોરેશને કોઇ સ્પષ્ટતા પણ કરી નથી. હાલ નવા વાહનોના ટેક્સ ભરવા માટે રોજ 250થી વધુ અરજી આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવા વાહન માટે આજીવન ટેક્સ લેવામાં આવે છે. જો મ્યુનિ.કોર્પોરેશનનો ટેક્સ બાકી હોય તો વાહનોનું પાસિંગ થઈ શકતું નથી. વાહન ડીલરો દ્વારા નવા વાહનના વેચાણ બાદ ઓનલાઇન રજિસ્ટ્રેશનની કામગીરી માટે અન્ય પુરાવાની સાથે મ્યુનિ.કોર્પોરેશનના ટેક્સના ટોકનને પણ ઓનલાઇન અપલોડ કરવાનું હોય છે. વાહન ડીલરો મ્યુનિ.ની કચેરીમાં વ્હીકલ ટેક્સ ભરી ટોકન મેળવી લેતા હોય છે. પરંતુ હાલ કોઈ કારણસર મ્યુનિ.ની સિસ્ટમ બંધ હોવાથી ડીલરો નવા વાહનનો મ્યુનિ. ટેક્સ ભરી શકતા નથી અને વાહન રજિસ્ટ્રેશનની ઓનલાઇન પ્રક્રિયા પણ કરી શકતા નથી. અધિકારીઓ કોર્પોરેશનના વ્હીકલ ટેક્સના ટોકન વગર એપ્રુવલ આપતાં નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાં ઈલેક્ટ્રિકલ વાહનોનું વેચાણ વધી રહ્યું હોવા છતાં હાલ માત્ર સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ ખાતે મ્યુનિ.નો વ્હીકલ ટેક્સ સ્વીકારવામાં આવે છે. પરંતુ છેલ્લા છ દિવસથી આ બંને સ્થળે વ્યવસ્થા બંધ છે. જેના લીધે ઈલેક્ટ્રિકલ વ્હીકલનું પણ રજિસ્ટ્રેશન અટકી ગયું છે. મ્યુનિ.ટેક્સની રસીદ મેળવ્યા વગર ગ્રાહક વાહનની ડિલિવરી લેવાનો ઇન્કાર કરી રહ્યા છે. અધિકારીઓ એવું કહી રહ્યા છે. કે, સિસ્ટમમાં ખામી હોવાથી વ્હીકલ ટેક્સ લેવામાં આવતો નહતો. પણ હવે સિસ્ટમની ખામી દુર થતાં જ પુનઃ વ્હીકલ ટેક્સ ઉઘરાવવામાં આવશે.