ગાંધીનગરઃ ગુજરાતમાં ઘણાબધા શહેરોમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. શહેરી નાગરિકોને માટે વિકાસનું જરૂરી ઈન્ફાસ્ટ્રક્ચર તેમજ પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે જે તે નગરપાલિકાઓ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે. સામાન્ય રીતે ત્રણ લાખથી વધુ વસતી હોય તેવી નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો એટલે કે મ્યુનિ કોર્પોરેશનનો દરજ્જો આપવા સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે. ગુજરાતમાં 22 જેટલા શહેરો એવા છે, કે તેની વસતી 3 લાખને વટાવી ગઈ છે. આવા શહેરોને મ્યુનિ કોર્પોરેશનનો દરજ્જો મળે તો તેનો સર્વાંગી વિકાસ થઈ શકે તેમ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કેવડિયા કોલોની SOU ખાતે યોજાયેલી ત્રણ દિવસની 10 મી ચિંતન શિબિરમાં શહેરી વિકાસ ક્ષેત્રે મહત્વના મુદ્દાઓની ચર્ચા થઈ હતી. જેમાં રાજ્યની નગર પાલિકાઓમાં ચીફ ઓફિસર તરીકે ઓળખાતા વહીવટી વડાઓને વધુ સત્તા આપવાની ચર્ચા પણ થઈ હતી. જે માટે ઉચ્ચ અધિકારીઓની સલાહકાર સમિતિ બનાવવામાં આવી છે.ઉપરાંત 22 નગરોની વસતી 3 લાખ ઉપર થઇ ગઇ હોવાથી હાલના નિયમ મુજબ મહાનગરનો દરજ્જો મળવાપાત્ર હોવાથી તે દિશામાં પણ ચર્ચા થઇ હતી. આવતા દિવસોમાં શહેરી વિકાસ ક્ષેત્રે મહત્વના ફેરફારો કરવામાં આવે તેવી શક્યતા છે. ચિંતન શિબિરમાં પ્રાદેશિક નગર પાલિકા કમિશનરોને ચીફ ઓફિસરોની જે તે ઝોનમાં બદલીની સત્તા આપવા રજુઆત પણ થઇ હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમદાવાદ સહિત આઠ મ્યુનિ. કોર્પોરેશન છે. અને આ મહાનગરોમાં મ્યુનિ. કમિશનર પાસે વિશાળ સતા હોય છે, પરંતુ નગરપાલિકાઓમાં ચીફ ઓફિસર પાસે એકદમ મર્યાદિત સતા છે. નગર પાલિકાઓમાં પ્રમુખ પાસે વધારે સતા છે તેમાં ફેરફાર કરી સરકાર ચીફ ઓફિસરોને વધુ સતા આપવા માંગે છે. પાલિકાના પ્રમુખ હસ્તકની કેટલીક સત્તામાં કાપ મૂકાય તેવી શક્યતા છે. ચીફ ઓફિસરોની સતા વધારવા માટે સૂચનો – અભિપ્રાયો મેળવવા સરકારે નગરપાલિકા ક્ષેત્રના વર્ગ-1 ના 4 અને વર્ગ-2ના પાંચ અધિકારીઓની સમિતિ બનાવી છે. જેમાં નરેશ પટેલ, સંજય સોની, રૂદ્રેશ હુદડ, નીતિન બોડાત, સતિષ એન. પટેલ અને રૂપલ ખેતિયાનો સમાવેશ થાય છે .મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, વાપી, નડિયાદ સહિત 22 નગરોની વસ્તી 3 લાખથી વધુ થઇ ગઇ છે. તેથી આવી 22 અથવા તે પૈકી સૌથી વધુ વસ્તી ધરાવતી કેટલીક નગર પાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની શકયતા સરકાર તપાસી રહ્યાનું કહેવાય છે.