Site icon Revoi.in

પાલનપુર શહેરમાં દોઢ કરોડના ખર્ચે ચાર નવા રોડ બનાવવાનો નગરપાલિકાનો નિર્ણય

Social Share

પાલનપુરઃ બનાસકાંઠાના જિલ્લા મથક એવા પાલનપુર શહેરમાં રોડ-રસ્તાની હાલત ખૂબજ બદતર બની ગઈ છે. ચોમાસામાં તૂટી ગયેલા રોડને મરામત કરવાનો નગરપાલિકાના સત્તાધિશોને સમય મળતો નહતો.પણ હવે નગરપાલિકા નવા વર્ષે જ અંદાજિત દોઢ કરોડના ખર્ચે 4 નવા રોડ બનાવશે, જે પૈકી કેટલાક રોડ પર પેવરકામની શરૂઆત કરવામાં આવી છે.

પાલનપુર શહેરમાં જૂની ભૂગર્ભ ગટરની પાઇપ લાઇન બહાર કાઢી નવી પાઇપ લાઇન નાંખવાની કામગીરી દરમિયાન શહેરના રસ્તા ઠેર-ઠેર તૂટી ગયા હતા. જેને લઇ પાછલા કેટલાય મહિનાઓથી શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા હતા. શહેરના અનેક ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પૈકી હાલમાં જુદાજુદા ચાર રસ્તાઓના નવીનીકરણની પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં મીરાં દરવાજાથી ગણેશપુરા, ત્રણબત્તી થી મોટીબજાર, ગણેશપુરાથી જનતાનગર અને ટેકનિકલ સ્કૂલથી મીરાં દરવાજા સુધીના રસ્તાઓનો સમાવેશ થાય છે. શહેરના બિસ્માર રોડ-રસ્તા હોવાથી નાગરિકોએ પણ નગરપાલિકાના સત્તાધિશોને રજુઆત કરી હતી. આથી રોડ નવા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ અંગે નગરપાલિકાની બાંધકામ શાખાના ઇજનેરે  જણાવ્યું હતુ કે,  નગરપાલિકા દ્વારા ટેકનિકલ હાઇસ્કૂલ પાસે ગલબાભાઈની પ્રતિમાથી મીરાં દરવાજા સુધીના 800 મીટરના રોડ પર અંદાજે રૂ.32 લાખના ખર્ચે પેવરકામ કરાશે. જ્યારે ગણેશપુરા વિસ્તારમાં ગણેશપુરા પ્રાથમિક શાળાથી લઈ મૌલાના અબ્દુલ કલામ આઝાદ ગ્રાઉન્ડ સુધીના 700 મીટર રોડ 34 લાખના ખર્ચે નવો રોડ બનાવવામાં આવશે. જ્યારે મોટીબજાર ટાવર સુધીનો રોડ તેમજ મીરાં દરવાજાથી ગણેશપુરા બહુચર માતાના મંદિર સુધીનો રોડની કામગીરી ટેન્ડર પ્રક્રિયામાં છે. જે થોડા દિવસોમાં પૂર્ણ થશે અને આ રોડના કામો પણ જલ્દી પૂર્ણ કરવામાં આવશે.