અમદાવાદની મ્યુનિ. હોસ્પિટલોમાં સિક્યુરિટી પાછળ કરોડોનો ખર્ચ, મેનપાવર બતાવીને કરાતું કથિત કૌભાંડ
અમદાવાદઃ શહેરના મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા પ્રજાના ટેક્સના નાણાનો ઘણા કાર્યોમાં વ્યય કરવામાં આવતો હોવાની ફરિયાદો ઊઠી છે. જેમાં સિક્યુરિટી પાછળ અઢળક ખર્ચ કરવામાં આવી રહ્યો છે. શહેરની મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં કેટલીક સિક્યુરિટી એજન્સીઓ દ્વારા ઓછી સિક્યુરિટી રાખી અને કૌભાંડ પણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઊઠ્યા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા કોઈ જ પગલાં લેવાતા નથી. મ્યુનિ.નો વહિવટ એવો છે. કે, જ્યાં સૌથી વધારે દર્દીઓ આવે છે ત્યાં ઓછા સિક્યુરિટી ગાર્ડ અને જ્યાં ઓછા દર્દીઓ આવે છે ત્યાં વધુ ગાર્ડ રાખવાનું કથિત કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. SVP હોસ્પિટલ જ્યાં રોજના અંદાજિત 500થી 700 દર્દીઓની OPD હોય છે ત્યાં સુરક્ષા માટે 340 જેટલા સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે. સિક્યુરિટી એજન્સીઓની દાદાગીરી હંમેશા SVP હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા અને અન્ય લોકો સાથે કરવામાં આવતી હોય છે. છતાં પણ અધિકારીઓ અને ભાજપના સત્તાધીશોની માનીતી એજન્સીઓ હોવાના કારણે એજન્સીઓ સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી.
મ્યુનિ. કોર્પોરેશન પાસે RTIની માહિતીના જવાબમાં જાણવા મળ્યું હતું કે, AMC MET સંચાલિત SVP હોસ્પિટલમાં જ્યાં રોજના 500થી 700 જેટલા દર્દીઓ OPDમાં આવે છે અને સરેરાશ 250 જેટલી દર્દીઓ દાખલ હોય છે. ત્યાં સુરક્ષા માટે 340 સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ LG હોસ્પિટલમાં જ્યાં રોજના 3000થી વધારે OPD હોય અને 900 જેટલા દર્દીઓ દાખલ હોય છે ત્યાં માત્ર 145 જેટલા ગાર્ડ મુકવામાં આવ્યા છે. સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં જ્યાં રોજના 2000થી વધારે OPD અને 500થી વધારે દાખલ દર્દીઓ હોય છે ત્યાં 78 જેટલા સિક્યુરિટી ગાર્ડ રાખ્યા છે. મીઠાખળીની નગરી આંખની હોસ્પિટલમાં જ્યાં રોજના 1000 દર્દીઓની OPD અને કેટલાક ઓપરેશન હોય છે ત્યાં માત્ર 37 જેટલા સિક્યુરિટી ગાર્ડ છે.
સૂત્રોના કહેવા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત LGઅને શારદાબેન હોસ્પિટલમાં સૌથી વધારે દર્દીઓ આવે છે. જ્યાં વધારે દર્દીઓ સિક્યુરિટી ગાર્ડ રાખવા જરૂરી છે પરંતુ, SVP હોસ્પિટલ જ્યાં દર્દીઓની સંખ્યા વધારે નથી. અને એક કોર્પોરેટ ઓફિસ જેવી હોસ્પિટલ બનાવેલી છે ત્યાં 300થી વધુ સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ સિક્યુરિટી પાછળ કરવામાં આવે છે છતાં પણ ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ કોઈપણ પ્રકારનું ધ્યાન આપતા નથી. ભાજપની માનીતી સિક્યુરિટી કંપનીઓ ને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે તેમને અનેક નોટિસ પેનલ્ટી અને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી છતાં પણ તેમનો જ ફરીથી કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવે છે.