Site icon Revoi.in

અમદાવાદમાં દૂષિત પાણી મળતુ હોવાની મ્યુનિ. કોર્પોરેશનને ગત મહિને 1347 ફરિયાદો મળી

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર મહિને મળેલી લોક ફરિયાદોની સમીક્ષા કરવામાં આવતી હોય છે. જેમાં ગત ઓગસ્ટ મહિના દરમિયાન દૂષિત પાણી મળતુ હોવાની 1347 જેટલી ફરિયાદો મળી હતી. દૂષિત પાણીને લીધે પાણીજન્ય રોગચાળો પણ વકરતો હોય છે. દૂષિત પાણીની ફરિયાદો નવા વાડજ, થલતેજ, સરદારનગર, સૈજપુર અને દાણી લીમડાં. નિકોલ, વિરાટનગર સહિતના વિસ્તારોમાંથી મળી હતી.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ઓગસ્ટ મહિનામાં પૂરતા પ્રેશરથી પાણી ન આવવું, લીકેજ, દૂષિત પાણી આવવું, કે પાણી નહીં આવતું હોવાની 5753 ફરિયાદો મ્યુનિ.ને મળી છે. જેમાં સૌથી વધુ ફરિયાદ પૂરતા પ્રેશરથી પાણી નહીં આવવાની હતી. મ્યુનિ.એ તાજેતરમાં કરેલા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ પાણી નહીં આવવાની કે ઓછું પાણી આવવાની અનેક ફરિયાદો સામે આવી હતી. ચાંદખેડામાં પાણી નહીં આવવાની એક મહિનામાં 252 ફરિયાદો મળી છે. જ્યારે નવા વાડજમાં દૂષિત પાણીની 65 ફરિયાદ, થલતેજમાં પણ પૂરતા પ્રેશરથી પાણી નહીં આ‌વવાની 104, દૂષિત પાણી આવતું હોવાની 23 ફરિયાદ મળી હતી. જ્યારે ઉત્તર ઝોનમાં સરદારનગરમાં દૂષિત પાણીની 113 અને સૈજપુરમાં દૂષિત પાણીની 62 ફરિયાદ નોંધાઈ છે. દક્ષિણ ઝોનમાં પાણીના ઓછા પ્રેશરની 40 ફરિયાદો મળી છે. દાણીલીમડામાં દૂષિત પાણીની 74 ફરિયાદ નોંધાઈ છે. પૂર્વ ઝોનમાં નિકાલમાં પાણીના પ્રેશરની 83 તો વિરાટનગરમાં દૂષિત પાણીની 34 ફરિયાદ નોંધાઈ છે. પશ્ચિમ ઝોનમાંથી પાણીની સૌથી વધુ 1521 ફરિયાદ આવી છે. જ્યારે દક્ષિણ ઝોનમાંથી પણ 1078 ફરિયાદો આવી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના પૂર્વ વિસ્તારોમાં પાણીની લાઈનમાં ભંગાણ પડવાના કિસ્સા વધી રહ્યાં છે. કાંકરિયામાં પાણીની લાઈનમાં ભંગાણ પડતાં રોડ પર મિની તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતાં. જ્યારે  નરોડા, નિકોલ, જશોદાનગર સહિતના વિસ્તારોમાં પણ આવા દ્રશ્યો રોજ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ ભાઈપુરા વોર્ડમાં ગોરના કૂવાથી જશોદાનગર તરફ જતાં કેનાલ પાસે આવેલ જય ગરવી ગુજરાત સોસાયટી નજીક બે દિવસથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડી જવાથી હજ્જારો લિટર પાણી વેડફાઈ ગયું હતુ. મણિયાસાથી લઈને જશોદાનગર ચારરસ્તા સુધી દરરોજ કોઈકને કોઈ લાઈનમાં તો લિકેજ સર્જાયા જ કરે છે.