રાજકોટઃ ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ કરાયા બાદ તમામ શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા દુર કરવા માટે રાજ્ય સરકારે તમામ નગરપાલિકાઓ તેમજ મ્યુનિ.કોર્પોરેશનને સુચના આપી છે. તેમજ નવી પોલીસી પણ અમલમાં મુકવામાં આવી છે. નવી પોલીસી મુજબ રાજકોટ મ્યુનિ, કોર્પોરેશન દ્વારા નવી એનીમલ હોસ્ટેલથી માંડી કર્મચારીઓની સુરક્ષા અને પુરાવા માટે બોડી વોર્ન કેમેરા, વાહનો પર કેમેરા સહિતની સિસ્ટમ વસાવવામાં આવશે. આ માટે મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશોએ સરકાર પાસે 36.60 કરોડની ગ્રાન્ટની માગણી કરી છે. આ અંગે આજે શનિવારે મળનારી મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીના બંઠકમાં ચર્ચા કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમીટીની બેઠક આજે તા.4ને શનિવારના રોજ ચેરમેન જયમીન ઠાકરે બોલાવી છે. જેમાં નવા પશુ ત્રાસ નિયંત્રણ કાયદાની અમલવારી સાથે ભવિષ્ય માટે ઉભી કરવાની સુવિધાઓ હેતુ સરકાર પાસેથી રૂા. 36.60 કરોડની ગ્રાન્ટ માંગવા કમિશ્નરે દરખાસ્ત મોકલી છે. નવી એનીમલ હોસ્ટેલથી માંડી કર્મચારીઓની સુરક્ષા અને પુરાવા માટે બોડી વોર્ન કેમેરા, વાહનો પર કેમેરા સહિતની સિસ્ટમ વસાવવામાં આવશે.
રાજકોટ મ્યુનિ.ના સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડા પર કુલ 24 દરખાસ્ત સામેલ કરવામાં આવી છે. જે અંગે વિગત આપતા પદાધિકારીએ જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ રખડતા ઢોર નિયંત્રણ માટે ફાયનાન્સ બોર્ડ પાસેથી ગ્રાન્ટ મેળવવા દરખાસ્ત કરવામાં આવશે. કમિશ્નરે આ અંગે દરખાસ્ત મોકલી છે. આકરા દંડ સહિતના નવા નિયમોનો જનરલ બોર્ડની મંજૂરીની અપેક્ષાએ અમલ શરૂ કરી દેવાયો છે. વધુ પશુ પકડાય તે સાથે વધુ સુવિધા પણ ઉભી કરવાની છે. જિલ્લા તંત્ર પાસે વધુ એનીમલ હોસ્ટેલ માટે જગ્યા પણ માંગવામાં આવશે. પશુઓને ઢોર ડબ્બા સુધી લાવવા માટે અને પરિવહન માટે જરૂરી વાહનોની ખરીદી કરવામાં આવશે. આ વાહનોમાં કેમેરા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. તેમજ કાર્યવાહીમાં અડચણરૂપ થવા માંગતા લોકો પર નજર રાખવામાં આવશે. પોલીસ તેના પરથી કડક કાર્યવાહી કરી શકશે. કર્મચારીઓના શરીર પર બોડી વોર્ન કેમેરા રાખવામાં આવશે. 10 કર્મચારી માટે હાલ આવા કેમેરા વસાવવામાં આવશે. જેમાં ઓડિયો અને વિડીયો બંને રેકોર્ડીંગ રહેશે. આ પૂરી સિસ્ટમ અને વાહનોની ખરીદી માટે 3.90 કરોડ માંગવામાં આવ્યા છે.
સૂત્રોએ ઉમેર્યુ હતુ કે, આરએમસી હસ્તકના ઢોર ડબ્બામાં નિભાવણી માટે જરૂરી વ્યવસ્થા અને નવી સુવિધા માટે તથા નવા ઢોર ડબ્બા બનાવવા 13 કરોડની માંગણી સરકાર પાસે કરવામાં આવશે. જે પશુ પાલકો પાસે ઢોર રાખવાની વ્યવસ્થા ન હોય તેઓને કોર્પો. હસ્તકની એનીમલ હોસ્ટેલમાં પશુ રાખવા, નવી એનીમલ હોસ્ટેલ અને જરૂરી સુવિધા માટે 14.70 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત જીવદયા કાર્ય કરતી અને પશુઓ નિભાવતી સંસ્થાઓને વધુ નિભાવ સહાય ખર્ચ માટે પાંચ કરોડનો ખર્ચ કરવા આયોજન છે. એકંદરે સરકાર પાસે 36.60 કરોડની ગ્રાન્ટ માંગતી દરખાસ્ત મોકલવામાં આવશે. ઢોર પકકડ શાખા માટે પશુઓની હેરફેર માટે 18.77 લાખના ખર્ચે નવું હાઇડ્રોલિક વાહન ખરીદવા પણ સ્ટે.કમીટીમાં દરખાસ્ત આવી છે.