Site icon Revoi.in

અમદાવાદમાં વિરાટનગરમાં ઢોર પકડવા ગયેલી મ્યુનિની ટીમ પર હુમલો કરાયો

Social Share

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરના પ્રશ્ને હાઈકોર્ટે ટકોર કર્યા બાદ મ્યુનિ.ના અધિકારીઓએ રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ વેગવંતી બનાવી છે. દરમિયાન શહેરના વિરાટનગરમાં ઢોર પકડવા ગયેલી મ્યુનિની ટીમ પર લાકડી વડે હુમલો કરીને હાથ-પગ તોડી નાંખવાની ધમકી આપતા આ મામલે આખરે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં મ્યુનિ.એ આદરેલી રખડતાં ઢોર પકડવાની ઝુંબેશમાં મ્યુનિ.ની ટીમ પર વિરાટનગરમાં લાકડી વડે હુમલો કરાયો હતો. બે દિવસ પહેલાં બપોરના સુમારે સીએનસીડી વિભાગની ટીમ વિરાટનગરમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે કામ કરતી હતી, ત્યારે કેટલાક લોકો વાહનો લઇને આ ટીમની આગળ પાછળ ફરતાં હતાં. જેમાં હસમુખ રબારી, પ્રતિક રબારી તથા અન્યોએ ટીમને કહ્યું કે, ગાયોને કેમ લઇ જાવ છો? તેમ કહીનો બોલાચાલી કરી હતી. જેમાં ટીમને બીભત્સ શબ્દો બોલી ઉશ્કેરણી કરી, કેટલાંક લોકોએ ટીમના એક સભ્યના માથે લાકડી મારી ધમકી આપી હતી કે, જો તમે ફરી આ વિસ્તારમાં ગાયો પકડવા આવશો તો હાથ-પગ તોડી નાખીશું. તેથી ઢોર પકડવા ગયેલી ટીમે બાપુનગર પોલીસને ફરિયાદ નોંધાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ચાલુ મહિનામાં જ સીએનસીડી વિભાગે 553 જેટલાં પશુઓ પકડ્યાં છે, જે પૈકી 72 પશુ માલિકો પોતાના પશુ છોડાવી તેના પેટેનો રૂ. 3.82 લાખનો દંડ ચુકવ્યો હતો. મ્યુનિ.એ 53 પશુ માલિકો સામે પોલીસ ફરિયાદ કરી છે. ઉલ્લેખનીય છે કે, મ્યુનિ.એ છેલ્લા એક વર્ષમાં 13194 જેટલા રખડતાં પશુને પકડ્યા હતા. જે પૈકી 1695 જેટલાં પશુઓ છોડાવનાર માલિકો પાસેથી રૂ. 95.54 લાખનો દંડ વસૂલ્યો હતો. તેમજ 985 પશુ માલિકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે.