હનુમાનજીના મંદિર માટે મુસ્લિમ વેપારીએ પુરી પાડી જમીન
મુંબઈઃ કર્ણાટકના બેંગ્લુરૂમાં એક મુસ્લિમ વેપારીએ હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ સમાજને પુરુ પાડ્યું છે. મુસ્લિમ ઉદ્યોગપતિએ હનુમાનજી મંદિરનો વિસ્તાર વધારવા માટે એક પોતાની લગભગ રૂ. એક કરોડની 1634 સ્કેવર ફૂટ જમીન દાન કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બેંગ્લુરૂ નજીક આવેલા હનુમાનજી મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા આવતા હતા. જેથી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરનો વિસ્તાર વધારવાનો નિર્ણય લીધો હતો. જો કે, જમીનના ભાવ ઉંચા હોવાથી ટ્રસ્ટ દ્વારા જમીન ખરીદવી મુશ્કેલ બની હતી. આ અંગેની જાણ મુસ્લિમ ઉદ્યોગપતિ એમએમજી બાશાને થઈ હતી. જેથી તેમણે મંદિર ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. તેમજ મંદિરની બાજીમાં આવેલી પોતાની જમીન દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી મંદિર ટ્રસ્ટે 1089 સ્કેવર ફૂટ જમીનની જ માગ કરી હતી. જો કે, બાશાએ પોતાના પરિવારજનો સાથે વાત કર્યા બાદ 1634 સ્કેવર ફૂટ જમીન દાનમા આપી દીધી. ટ્રસ્ટે પણ એક બેનર લગાવી બાશા અને તેના પરિવારનો આભાર વ્યકત કર્યો હતો.
ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે, હિન્દુ અને મુસલમાન લાંબા સમયથી એક સાથે રહેતા આવે છે. આજના જમાનામાં વિભાજનકારી ચર્ચાઓ ખૂબ થાય છે. જો આપણે પ્રગતિ કરવા માગીએ છીએ તો, દેશમાં એકતા સાથે રહેવાની જરૂર છે.