Site icon Revoi.in

આસામમાં મુસ્લિમ વિવાહ અને તલાક નોંધણી કાયદાને રદ્દ કરાયો

Social Share

નવી દિલ્હીઃ આસામના મુખ્યમંત્રી ડૉ.હિમંત બિસ્વા સરમાની સરકારે આસામ મુસ્લિમ વિવાહ અને તલાક નોંધણી કાયદાને રદ્દ કરી દીધો છે. રાજ્યની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે, બાળલગ્નને નાબૂદ કરવાની દિશામાં આ મહત્ત્વપૂર્ણ પગલું છે. આ સાથે જ કેબિનેટ મંત્રી જયંત મલ્લ બરૂઆહે સમાન નાગરિક સંહિતાની દિશામાં આ નિર્ણયને મહત્વનું પગલું ગણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે, મુસ્લિમ સમુદાયના લગ્ન અને છૂટાછેડાની નોંધણીની સત્તા જિલ્લા કમિશનર અને જિલ્લા રજિસ્ટ્રારની હશે. આ સાથે જ રદ્દ થયેલા કાયદા અંતર્ગત કાર્યરત્ 94 મુસ્લિમ રજિસ્ટ્રારોને પણ તેમના પદ પરથી મુક્ત કરવામાં આવશે. આ સાથે જ તેમને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે… આ સાથે જ હવે રાજ્યમાં તમામ લગ્ન અને છૂટાછેડા વિશેષ વિવાહ કાયદા અંતર્ગત જ થઈ શકશે.

કેબિનેટ બેઠકમાં અન્ય નિર્ણયોની વાત કરવામાં આવે તો રાજ્ય મંત્રીમંડળ દ્વારા મણિપુરી ભાષાને આસામમાં એક સહયોગી ભાષા તરીકે માન્યતા આપવામાં આવી છે. આ ભાષા કછાર, હૈલાકાંદી, હોજાઈ અને કરીમગંજમાં લાગુ થશે. ગુવાહાટી પછી તમામ રાજમાર્ગ પર ભીડને નિયંત્રિત કરવા માટે ડિબ્રુગઢ, તિનસુકિયા, નગાંવ અને સિલચરમાં એકીકૃત ઈમરજન્સી પ્રબંધન પ્રણાલી પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવશે. આત્મનિર્ભર યોજનાઓ માટે 1,000 કરોડ રૂપિયાની આર્થિક સ્વીકૃતિ આપવામાં આવી.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઉતરાખંડ સરકારે વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડનું બિલ રજુ કર્યું હતું. જ્યારે આસામ સરકારે આ નિર્ણયને પગલે ભારતીય રાજકારણ ગરમાયું છે.

(PHOTO-FILE)