Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી-કૉંગ્રેસ ગઠબંધનનું કારણ મુસ્લિમ વોટબેંક?

Social Share

નવી દિલ્હી: કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ચુકી છે. ઉત્તરપ્રદેશની કુલ 80 લોકસભા બેઠકોમાંથી 17 પર કોંગ્રેસ અને બાકીની બેઠકો પર અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને તેના નાના સાથીપક્ષો ચૂંટણી લડશે. જો કે સમાજવાદી પાર્ટી મહિનાઓથી દાવો કરી રહી હી કે કોંગ્રેસ, ઉત્તરપ્રદેશમાં મજબૂત નથી. માટે તેને તે હિસાબથી બેઠકો માંગવી જોઈએ.

30 જાન્યુઆરીએ સમાજવાદી પાર્ટીએ પોતાના તરફથી ઘોષણા કરીને તમામને આશ્ચર્યચકિત કરી દીધા હતા કે તે કોંગ્રેસને યુપીમાં કુલ 80માંથી માત્ર 11 લોકસભા બેઠકો આપશે. જો કે હવે કોંગ્રેસ રાયબરેલી, અમેઠી, કાનપુર, ફતેહપુર સિકરી, બાંસગાંવ, સહારનપુર, પ્રયાગરાજ, મહારાજગંજ, વારાણસી, અમરોહા, ઝાંસી, બુલંદશહર, ગાઝિયાબાદ, મથુરા, સીતાપુર, બારાબંકી અને દેવરિયા બેઠકો પર ચૂંટણી લડશે.

સમાજવાદી પાર્ટીનું કડક વલણ છોડવાનું કારણ-

સમાજવાદી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસને મોટી હિસ્સેદારી આપવાનું મુખ્ય કારણ મુસ્લિમ વોટોના વિભાજનનો ડર હતો. 2022ની વિધાનસભા ચૂંટણીઓમાં સમાજવાદી પાર્ટીને મુસ્લિમ વોટો પર ઘણો વધારે ભરોસો હતો અને એવું લાગે છે કે તેણે તેને ઘણી હદ સુધી પ્રાપ્ત પણ કરી લીધું છે, કારણ કે પાર્ટી એ બેઠકો પર વિજયી થઈ છે, જ્યાં મુસ્લિમો વધુ સંખ્યામાં છે. ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના 30 મુસ્લિમ ઉમેદવારો જીત્યા હતા.

કોંગ્રેસની નજર પણ મુસ્લિમ વોટ પર હોય છે અને તેમના સુધી પહોંચવા કાર્યક્રમ આયોજીત કરી રહી છે. મૌલવીઓને મળી રહી છે. માટે સમાજવાદી પાર્ટીને ડર છે કે જો સમુદાયના વોટ વિભાજીત થઈ ગયા તો તેનાથી મોટું નુકશાન થશે.

ઘણાં લોકોનું માનવું છે કે 2022માં સમાજવાદી પાર્ટીને મળેલા 32.06 ટકા વોટનો ઘણો મોટો હિસ્સો મુસ્લિમ સમુદાયમાંથી આવતો હતો, જે રાજ્યની વસ્તીનો લગભગ 20 ટકા છે. સમાજવાદી પાર્ટીના એક વરિષ્ઠ નેતાનું કહેવું હતું કે આ જોતા કે આ લોકસભા ચૂંટણી છે. અમે જાણતા હતા કે જો મુસ્લિમ વોટોનો એક મોટો હિસ્સો કોંગ્રેસ તરફ ચાલ્યો જશે, તો અમારે બેઠકો ગુમાવવી પડે તેવી શક્યતા છે.

યુપીમાં કોંગ્રેસનું પ્રદર્શન કેવું રહ્યું? –

એવું લાગે છે કે કોંગ્રેસે આકરી સોદાબાજી કરી છે, ત્યારે જઈને તેને 17 બેઠકો પ્રાપ્ત થઈ છે. સમાજવાદી પાર્ટીના ઘણાં નેતાઓને લાગે છે કે કોંગ્રેસ માટે 17 બેઠકો ઘણી વધારે છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 403 બેઠકોમાંથી માત્ર બે પર જીત મળી હતી અને તેનો વોટ શેયર 2.33 ટકા હતો. તેનાથી વિપરીત સમાજવાદી પાર્ટીને 111 બેઠકો મળી અને મુખ્ય વિપક્ષ બની હતી.

2019ની લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસનો દેખાવ નિરાશાજનક હતો, કારણ કે તેને માત્ર રાયબરેલીની એક જ બેઠક પર જીત મળી હતી. ગત લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસને 6.36 ટકા વોટ મલ્યા હતા. ત્યાં સુધી કે ખુદ રાહુલ ગાંધી કોંગ્રેસના ગઢ અમેઠીમાં ભાજપના સ્મૃતિ ઈરાની સામે 55 હજાર વોટથી હાર્યા હતા.

2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને અમેઠી અને રાયબરેલી એમ બે બેઠકો મળી હતી. ત્યારે કોંગ્રેસને યુપીમાં 7.53 ટકા વોટ મળ્યા હતા. એવું લાગે છે કે સમાજવાદી પાર્ટી સાથે વાતચીત કરતી વખતે કોંગ્રેસને 2009ની લોકસભા ચૂંટણીના પરિણામોને એક બેન્ચમાર્ક તરીકે લેવામાં આવ્યા છે, જ્યારે તેણે યુપીમાં 21 લોકસભા બેઠકો પર જીત મેળવી હતી.

આરએલડીના જવાથી સમાજવાદી પાર્ટી-કોંગ્રેસના ગઠબંધનને અસર પડશે?-

એવું લાગે છે કે જયંત ચૌધરીના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકદળને ભાજપના નેતૃત્વવાળા એનડીએમાં જવાથી પણ કોંગ્રેસને સોદાબાજીનો અવસર મળ્યો છે. પહેલા સમાજવાદી પાર્ટીએ આરએલડીને સાથે લાવવા માટે કોંગ્રેસને ઓછી બેઠકોનો પ્રસ્તાવ આપ્યો હતો. સૂત્રો મુજબ, આરએલડીને બહાર કાઢવાની સાથે જ કોંગ્રેસે આક્રમક રીતે વધુ બેઠકો પર જોર લગાવ્યું.

17 બેઠકોમાંથી પાંચ – બુલંદશહર, ગાઝિયાબાદ, મથુરા, સહારનપુર અને અમરોહા- જેના પર કોંગ્રેસ ચૂંટણી લડશે, તે પશ્ચિમ યુપીમાં છે. આ બેઠકો આરએલડીનો ગઢ ગણાય છે. જો આરએલડી ઈન્ડિયા બ્લોકની સાથે રહે, તો કોંગ્રેસને આ બેઠકો મળવાની સંભાવના ખુબ ઓછી હતી.

શું સહયોગીઓની અછતને કારણે પગલું આગળ વધારવા મજબૂર હતી સમાજવાદી પાર્ટી?

2022ની વિધાનસભા ચૂંટણીઓમાં સમાજવાદી પાર્ટીએ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કેશવ દેવ મૌર્યના નેતૃત્વવાળા મહાન દળ, ઓમપ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી અને આરએલડી જેવા કેટલાક નાના દલોની સાથે ગઠબંધન કર્યું હતું.

જો કે વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની હાર બાદ સહયોગી દળ દૂર થઈ ગયા. સુહેલદેવ ભારતીય સમાજવાદી પાર્ટી અને આરએલડી જ્યાં એનડીએમાં સામેલ હોય છે, તે મહાનદળે પણ સમાજવાદી પાર્ટીની સાથે નાતો તોડયો છે. સૂત્રો મુજબ, સહયોગીઓની અછતે પણ સમાજવાદી પાર્ટીને કોંગ્રેસને વધુ બેઠકો આપીને ગઠબંધન કરવા માટે મજબૂર કરી છે.