લેબનાનના હદાત શહેરમાં મુસ્લિમોને ભાડે મકાન લેવા અથવા ખરીદવાની મંજૂરી નથી. હદાત શહેરના અધિકારીઓએ કેટલાક વર્ષ પહેલા આદેશ જાહેર કર્યો હતો કે માત્ર ખ્રિસ્તીઓને જ હદાતમાં મકાન ભાડે લેવાની અથવા ખરીદવાની મંજૂરી હશે.
મોહમ્મદ અવ્વાદ અને તેની મંગેતરે ભાડે મકાન લેવા માટે ઓનલાઈન સંપર્ક કર્યો હતો. વ્યવસાયે પત્રકાર અવ્વાદે મકાનમાલિકને ફોન કરીને કહ્યુ કે તે ઘર ખરીદવા ચાહે છે. પરંતુ જવાબ સાંભળીને તે સ્તબ્ધ થઈ ગયો. તેણે જણાવ્યું કે મુસ્લિમોને આ શહેરમાં રહેવાની મંજૂરી નથી.
શિયા મુસ્લિમ યુગલને આ સાંભળીને વિશ્વાસ થયો નહીં અને તેમણે નગરપાલિકાને ફોન કરીને પુછયું, તો ત્યાંથી પણ જવાબ મળ્યો કે છેલ્લા ઘણા વર્ષોથી રોક લગાવાયેલી છે.
લેબનાનમાં ધર્મના આધારે વિભાજન ઘણું ઘેરું છે અને હદાત તેનું સ્પષ્ટ ઉદાહરણ છે. ખ્રિસ્તી બહુમતી ધરાવતા દેશમાંથી મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં બદલાયા બાદ લેબનાનમાં દોઢ દશકના ગૃહયુદ્ધમાં એક લાખથી વધારે લોકો માર્યા ગયા હતા.