મારી એબીસીડીની શરૂઆત A ફોર આદિવાસીથી થાય છે, આ ગુજરાત મેં બનાવ્યુ છે, વડાપ્રધાન મોદી
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વલસાડ જિલ્લાથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. વલસાડ જિલ્લાના નાના પોંઢામાં યોજાયેલી ચૂંટણીસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, મારી ABCDની શરૂઆત A ફોર આદિવાસીથી થાય છે. સાથે કહ્યું હતું કે, મારી પાસે ગુજરાત ભાજપ જેટલો સમય માગશે તે આપવા હું તૈયાર છું. નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ એના માટે મારે કામ કરવું છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં થતાં PM મોદીએ સંભાળી પ્રચારની કમાન સંભાળી છે. તેઓ વલસાડમાં ખુલ્લી જીપમાં સવાર થઈને લોકોનું અભિવાદન કર્યુ હતુ. વડાપ્રધાન મોદીનો વલસાડમાં ભવ્ય રોડ-શો યોજાયો હતો. ખુલ્લી જીપમાંથી વડાપ્રધાન મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવો નારો આપ્યો છે. વડાપ્રધાને ગુજરાતની જનતાને કહ્યું કે, ગર્વથી કહો આ ગુજરાત મેં બનાવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વલસાડના કપરાડામાં સભાને સંબોધી હતી. જેમાં તેમણે ચૂંટણી લક્ષી નવો નારો આપ્યો હતો. તેમણે સંબોધન દરમિયાન ‘આ ગુજરાત મેં બનાવ્યું છે. તેમણે 25 મિનિટના સંબોધન દરમિયાન તેમણે વારંવાર આ વાક્યનો પ્રયોગ કર્યો હતો. જેને કારણે સભામાં ઉત્સાહ પ્રેરાયો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસ અવિરત ચાલી રહ્યો છે. ચૂંટણી જાહેર થયા પછી પ્રથમ કાર્યક્રમ આદિવાસી વિસ્તારમાં રાખ્યો છે તેનો મને ગર્વ છે. પ્રત્યેક ગુજરાતીના હૈયામાંથી નાદ નિકળે છે આ ગુજરાત મે બનાવ્યું છે. આ ચૂંટણી ના ભૂપેન્દ્ર લડે છે ના નરેન્દ્ર લડે છે આ ચૂંટણી તો મારા ગુજરાતના લોકો લડે છે.
વડાપ્રધાન મોદીએ આદિવાસી લોકો માટે વાત કરતાં કહ્યું કે મારી ABCDની શરૂઆત થાય છે. A ફોર આદિવાસીથી. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં અમે દીકરીઓને ભણાવવાનું બીડું ઉઠાવ્યું છે. ભાજપ અને મારા પર તમારો વિશ્વાસ અતૂટ છે. આદિવાસી વિકાસ માટે અનેક પગલાં લીધા છે. વનબંધુ વિશ્વબંધુ બની ગયા છે. આ જાહેર સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. જાહેર સભા પૂર્ણ થયા બાદ વડાપ્રધાન જ્યારે આરએસએસના કાર્યકર્તા હતા અને ધરમપુર તાલુકા ખાતે રહેતા તે સમયના તેમના સાથીમિત્રો અને શિષ્યોને યાદ કર્યા હતા. સભા પૂર્ણ થયા બાદ 15 જેટલા લોકોને મળી તેમના સાથે વાત કરી હતી. તેઓ તેમના શિષ્ય રાહુલ ઉર્ફે ડોલરને મળ્યા હતા. સભા સંબોધતા સમયે તેમના જુના મિત્ર રમતુંભાઈ પાડવીને પણ યાદ કર્યા હતા અને સભા પૂર્ણ થયા બાદ તેમની સાથે પણ મુલાકાત કરી હતી. આટલા સમય બાદ પણ વડાપ્રધાનને તમામ લોકો યાદ હોવાની વાતને લઈને તમામ સાથી મિત્રોએ ખુશી વ્યક્ત કરી હતી