Site icon Revoi.in

પોરબંદર ચોપાટી ખાતે માય ભારત વોલિન્ટિયર્સ દ્વારા બીચ સાફ સફાઈ કરાઈ

Social Share

અમદાવાદઃ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીએ નહેરુ યુવા કેન્દ્રના સંકલનમાં માય ભારત વોલિન્ટિયર્સ દ્વારા પોરબંદર ચોપાટી ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયા, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયા અને પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા બીચ સફાઈ અભિયાનમાં જોડાયા હતાં. પ્લાસ્ટિકના ઉપયોગના કારણે દર વર્ષે દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન પહોંચે છે તે અંગે જન જાગૃતિ આવે અને દરિયામાં પ્રદૂષણ ન થાય અને જીવસૃષ્ટિનું સંરક્ષણ થાય તેવા હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ 10 વર્ષ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો. પરંતુ સ્વચ્છતાએ વ્યક્તિનો મહત્વનો એક ભાગ છે. તે માટે પૂજ્ય ગાંધીજી દ્રારા વર્ષો પહેલા સમાજ સ્વચ્છતાનો વિચાર સમાજમાં મૂકવામાં આવ્યો હતો. આપણી તંદુરસ્તી, આરોગ્ય,વ્યવસ્થાઓની જાળવણી એ સ્વચ્છતાના એક વાક્યમાં સમાઈ જાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના આજે 10 વર્ષ પૂર્ણ થયા છે. જે નિમિત્તે માય ભારતનાં 1 લાખથી વધુ વોલિન્ટિયર્સ દ્વારા ૭૦૦૦ કિલોમીટર દરિયા કિનારાના 1000 સ્થાન પર યુવાનોએ સ્વચ્છતાની રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્રિકરણ કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

વધુમાં તેમને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા તેમજ ઘર અને આંગણા સ્વચ્છ રહે તે માટે સ્વચ્છાગ્રહી બનીને પ્રધાનમંત્રીશ્રીનું સ્વચ્છ ભારતનું સપનું સાકાર કરીએ તેમ વધુમાં ઉમેર્યું હતું. આ સફાઈ અભિયાન થકી બીચ પરથી પ્લાસ્ટિકની નકામી બોટલો, તૂટી ગયેલા ગ્લાસ, વનસ્પતિના  પાંદડાઓ, માછલી પકડવાની તૂટી ગયેલી જાળી સહિત નકામો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. અને ચોપાટી પર સફાઈ અભિયાન દ્વારા પર્યાવરણ બચાવવાનો પ્રયાસ કરી પ્લાસ્ટિક સમુદ્રમાં નહીં નાખવાનો એક ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો હતો.

આ ચોપાટી સફાઈ અભિયાનમાં નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા કલેકટર એસ .ડી ધાનાણી, નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અધિકારી દુષ્યંત ભટ્ટ, નેહરુ યુવા કેન્દ્ર પોરબંદરના અધિકારી મેઘા સોનાવાલ સહિતનાં વિદ્યાર્થીઓ, યુવાઓ અને નાગરિકો જોડાયા હતાં. બાદમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે પૂજ્ય બાપુના જન્મ સ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સર્વધર્મ પ્રાર્થનામાં પણ  સહભાગી થયા હતા.

જયા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ પૂજ્ય મહાત્મા ગાંધીજીને વંદન કરી જણાવ્યું હતું કે, રાજ્યશાસન પરિવર્તન માટે અહિંસા એક માર્ગ હોઈ શકે તેવો માર્ગ પૂજ્ય મહાત્મા ગાંધીજી વિશ્વને ચીંધ્યો હતો. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ આપેલા દર્શનનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત બને તે માટે અમલ થઈ રહ્યો છે. પૂજ્ય બાપુના દર્શન અહિંસા, સ્વચ્છતા, બુનિયાદી શિક્ષણ, અર્થવ્યવસ્થા અને અંત્યોદય તથા સમાજ કેવો હોવો જોઈએ તે બાપુના વિચાર દર્શનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમલમાં મૂકી દેશને વિકસિત ભારત બનાવવા પરિશ્રમ કરી રહ્યા છે. આપણે પણ મહાત્મા ગાંધીએ ચિંધેલા રાહ પર આગળ વધી ભારતને વિકસિત ભારત બનાવીએ તેમ જણાવ્યું હતું.