નવી દિલ્હીઃ બ્રિટનમાં હાલ વડાપ્રધાન પદની પ્રક્રિયા ચાલી રહી છે અને ભારત સહિત દુનિયાભરના રાજકીય મહાનુભાવોની નજર મંડાયેલી છે. ઋષિ સુનક પીએમ પદની રેસમાં સૌથી આગળ છે. હાલમાં ઋષિ સુનકનું એક નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. તેમનું આ નિવેદન ધર્મ સાથે સંબંધિત છે અને તેમણે પોતાને એક ગૌરવપૂર્ણ હિન્દુ ગણાવ્યાં હતા. વર્ષ 2020માં ઋષિ સુનકે નાણામંત્રી તરીકે શપથ લીધા હતા. આ દરમિયાન તેમણે ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા અને તેઓ દરેક ભારતીયના પ્રિય બની ગયા.
બ્રિટિશ અખબારે તેમનું ઈન્ટરવ્યુ લીધુ હતું અને તેમણે જણાવ્યું હતું કે, ‘હું અત્યારે બ્રિટનનો નાગરિક છું પણ મારો ધર્મ હિંદુ છે. ભારત મારો ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો છે. હું ગર્વથી કહી શકું છું કે હું હિંદુ છું અને હિંદુ હોવું એ મારી ઓળખ છે. પોતાના ડેસ્ક પર ભગવાન ગણેશની પ્રતિમા રાખનારા સુનકે અગાઉ પણ ધાર્મિક આધાર પર બીફ છોડી દેવાની અપીલ કરી હતી.
સુનકને વર્ષ 2020થી દેશના આગામી વડાપ્રધાન તરીકે જોવાતા હતા. સુનકે તેનું સ્કૂલિંગ વિન્ચેસ્ટર કોલેજ, યુકેમાંથી કર્યું છે. તે દેશની સૌથી પ્રતિષ્ઠિત શાળાઓમાંની એક છે. આ પછી તેઓ અમેરિકાની ઓક્સફર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી પહોંચ્યા અને અહીંથી આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો. રાજકારણમાં જોડાતા પહેલા, તેમણે કેટલીક કંપનીઓમાં કામ કર્યું હતું.
ઋષિ સુનક પંજાબી ખત્રી પરિવારના છે. ઋષિના દાદા રામદાસ સુનક ગુંજરાવાલામાં રહેતા હતા જેઓ ભાગલા પછી પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયા હતા. રામદાસે 1935માં ગુંજરાવાલા છોડી દીધું અને કારકુન તરીકે કામ કરવા નૈરોબી આવ્યા.
ઋષિની બાયોગ્રાફી લખનાર માઈકલ એશક્રોફ્ટે જણાવ્યું છે કે, હિન્દુ અને મુસ્લિમ વચ્ચેના બગડતા સંબંધોને કારણે રામદાસ સુનક નૈરોબી ગયા હતા. રામદાસની પત્ની સુહાગ રાણી સુનક ગુંજરાવાલાથી દિલ્હી આવી હતી અને તેમની સાસુ પણ સાથે રહેતા હતા. આ પછી તે 1937માં કેન્યા ગયા હતા.
પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર, રામદાસ એક એકાઉન્ટન્ટ હતા જે પાછળથી કેન્યામાં વહીવટી અધિકારી બન્યા હતા. રામદાસ અને સુહાગ રાનીને છ બાળકો હતા, ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓ. ઋષિના પિતા યશવીર સુનક તેમાંથી એક હતા જેમનો જન્મ 1949માં નૈરોબીમાં થયો હતો.