દિલ્હીઃ અમેરિકાના નેશવિલેમાં ક્રિસમસના તહેવારોમાં જ એક શાંત માર્ગ ઉપર જોરદાર વિસ્ફોટ થતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી. આ વિસ્ફોટમાં 3 વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. વિસ્ફોટની તીવ્રતા એટલી જોરદાર હતી કે આસપાસના મકાનોના બારીઓના કાચ પણ તુટી ગયા હતા. સદનસીબે ભીડભાડવાળા આ વિસ્તારમાં કોરોનાને કારણે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવાથી મોટી જાનહાની ટળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના નેશવિલેના એક માર્ગ ઉપર જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં 3 વ્યકિતઓ ઇજાગ્રસ્ત થઇ હતી જયારે આજુબાજુ રહેલી કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વિસ્ફોટનો અવાજ એક કિલોમીટર સુધી સંભળાયો હતો. આ વિસ્ફોટમાં કોઇનું મોત થયું નથી પણ 3 વ્યકિતઓ ઘાયલ થયા હતા. સામાન્ય રીતે આ વિસ્તારમાં ભીડ રહે છે પણ કોરોના પ્રતિબંધના કારણે ભીડ નહોતી. એફબીઆઇ આ ઘટનાની તપાસ કરી રહી છે.. એફબીઆઇના પુર્વ ડે. ડાયરેકટર એન્ડ્રયુ મેકકેબેએ જણાવ્યું હતું કે આવા ભીષણ વિસ્ફોટની તપાસ સંભવિત આતંકી કાર્યવાહી તરીકે કરવી જોઇએ. નેશવિલેના એક નિવાસીએ કહ્યુ હતું કે ઘટના સ્થળે બારીઓના કાચ તુટી ગયા હતા અને વૃક્ષો તુટી પડયા હતા.