પાવાગઢ: રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના માચી ખાતે ખોદકામ દરમિયાન મોટી સંખ્યામાં તોપના ગોળા અને લોખંડના નાળચા મળી આવતા પુરાતત્વ વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી ગયાા હતા અને ખોદકામની કામગીરી અટકાવી સંશોધન શરૂ કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ પાવાગઢ ખાતે માચીમાં હાલમાં મોટાપાયે નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન માંચીમાં ચોક બનાવવાની કામગીરી માટે ખોદકામ કરાઈ રહ્યું હતું. ત્યારે રાજા રજવાડાઓના સમયના યુદ્ધમાં લશ્કર દ્વારા વપરાતા તોપના ગોળાઓ અને લોખંડના નાળચા મળી આવતા મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા. આ અંગેની જાણ થતાં પુરાતત્વ વિભાગની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ઐતિહાસિક વિશ્વ વારસો ધરાવતા વર્લ્ડ હેરિટેજ સાઈટ પાવાગઢના માંચી ખાતે જિલ્લા પંચાયત હસ્તકની જમીનમાં વર્ષો જૂની ધર્મશાળા આવેલી છે જે તોડીને સ્થળે માચી ચોક બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં માંચી ચોક બનાવવાની કામગીરી દરમિયાન જમીનનું ખોદકામ કરાઈ રહ્યું હતું. જેમાં હિટાચીના જીસીબી મશીન દ્વારા જમીનમાં ખોદકામ કામગીરી ચાલી રહી હતી ત્યારે જમીનમાં થોડા ફૂટ ઊંડે ખોદકામ કરાતા મોટી સંખ્યામાં ગોળાકાર આકારના પૌરાણિક દુર્લભ એવા તોપના ગોળા અને લોખંડના નાળચા મળી આવ્યા હતા. આ અંગેની જાણ થતાં વહીવટીતંત્ર તેમજ પુરાતત્વ વિભાગના અધિકારીઓ અને કર્મચારી દોડી ગયા હતા. અને પુરાતત્વ વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી ખોદકામ અટકાવ્યું હતું. આ અંગેની જાણ થતાં પાવાગઢ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ખોદકામની જગ્યાની આસપાસ બેરીકેટ ગોઠવી ત્યાં બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બીજી તરફ રાજા રજવાડાઓના સમયના મળી આવેલા અતિ પ્રાચીન તોપના ગોળા અને નાળચા અંગે અભ્યાસ કરવા માટે પુરાતત્વ વિભાગ દ્વારા સંશોધન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.