અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાના પ્રારંભ સાથે જ વિદેશી પક્ષીઓ હજારો-લાખો કીમીનું અંતર કાપીને મહેમાન બન્યાં છે. અમદાવાદના થોળ અને નળસરોવર સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓએ ધામા નાખ્યાં છે. બીજી તરફ પ્રવાસીઓ પણ દરરોજ મોટી સંખ્યામાં આ સ્થળોની મુલાકાત લઈ રહ્યાં છે. બાવનગર અને જામનગરમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે.
ભાવનગરનો લાંબો દરિયાકિનારો, પર્વતોની હારમાળા અને શહેર મધ્યે લીલીછમ વનરાજી વચ્ચે યાયાવર પક્ષીઓ સહિત વિવિધ વિદેશી પક્ષીઓ ભાવનગરના મહેમાન બન્યાં છે.. ભાવનગરમાં ખાસ કરીને દરિયાકાંઠા તેમજ કુંભારવાડાના ખાર વિસ્તાર, નારીરોડ, રુવા રવેચી તળાવ પરના જળાશયોમાં બ્રાહ્મીની ડક, મુરહેન, વિસલિંગ ડક, નકટો, વગેરે પક્ષીઓના ઝૂંડ જોવા મળી રહ્યાં છે. ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવની આજુબાજુના પીલગાર્ડન, મહિલાબાગ, ટાઉનહોલ સહિતના વિસ્તારના વૃક્ષો પર વિદેશી પક્ષીઓ પોતાનું નિવાસ સ્થાન બનાવે છે. જેથી તજજ્ઞોનું કહેવું છે કે વિદેશી પક્ષીઓનું જતન કરવું ભાવનગરવાસીઓની નૈતિક જવાબદારી બને છે તેમજ આ સ્થળ ને વધુ વિકસિત કરવા જોઇએ.
શિયાળાની શરૂઆત થતાં જ જામનગરમાં વિદેશી પક્ષીઓના આગમનની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે જામનગર ફોરેસ્ટ વિભાગ અને મરીન નેશનલ પાર્ક દ્વારા ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી ખાતે વિદ્યાર્થીઓ માટે નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.. જેમાં સેન્ચ્યુરી ખાતે આવતા અનેક વિદ્યાર્થીઓને પર્યાવરણ અને વિદેશી પક્ષીઓ અંગે માહિતી પૂરી પાડવામાં આવે છે. સરકાર દ્વારા ગત 5 ડિસેમ્બરથી આ કેમ્પની શરૂઆત કરાઈ છે. આ કેમ્પમાં વિદ્યાર્થીઓને પક્ષીઓ અને પર્યાવરણ અંગે માહિતી આપવામાં આવે છે.