ભૂજઃ ગાંધીધામના બે નબીરાઓ બે થાર જીપ લઈને મુન્દ્રાના ભદ્રેશ્વર નજીક આવેલા રંધ બંદરના ચોપાટી વિસ્તારમાં ફરવા માટે આવ્યા હતા. અને વિડિયો બનાવવા માટે બન્ને થાર જીપને સમુદ્રના મોજામાં લઈ ગયા હતા. દરમિયાન બન્ને જીપ સમુદ્રની રેતીમાં ફસાઈ ગઈ હતી. બન્ને યુવાનોએ તેના પણ વિડિયો બનાવ્યો હતો. ત્યારે સમુદ્રમાં ભરતી હોવાથી મોટુ મોજુ આવતા બન્ને જીપ દરિયામાં ડુબી ગઈ હતી. જેની જાણ થતાં આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને દોરડાં બાંધીને ટ્રેકટર દ્વારા બન્ને જીપને બહાર કાઢવામાં આવી હતી. જેની જાણ પોલીસને થતાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
કચ્છના દરિયા કિનારે પ્રવાસીઓની કાયમી ચહલપહલ રહે છે ત્યારે કેટલાક નબીરાઓ સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવા જીવના જોખમે સ્ટંટબાજી કરી પોતાનું અને આસપાસના લોકોનો પણ જીવ જોખમમાં મુકતા હોય છે. આવો જ એક બનાવ મુન્દ્રાના ભદ્રેશ્વર નજીક રંધ બંદરે બન્યો હતો, જેમાં ગાંધીધામના બે યુવાનોની બે થાર ગાડી દરિયાની ભરતીમાં ફસાઈ ગઈ હતી. જેનો વિડીયો વાયરલ થતા પોલીસે ગુનો નોંધ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીધામના પરેશ અનિલ કાતરીયા અને કરણ મહેશ સોરઠીયા પોતાની લાલ અને સફેદ કલરની થાર ગાડી લઇ ભદ્રેશ્વરના રંધ બંદરે આવ્યા હતા. જ્યાં સ્ટંટબાજી કરતા સમયે ગાડી કાદવમાં ફસાઈ હતી અને દરિયામાં ભરતી આવતાની સાથે જ બન્ને કાર બોટની જેમ હિલોળા લેતી થઇ હતી. ઘટના બાદ સ્થાનિક ગ્રામજનોએ ટ્રેક્ટરની મદદથી બન્ને કારને પાણીમાંથી બહાર કાઢી હતી. દરમિયાન ભદ્રેશ્વર ગામના એક વ્યક્તિએ એ સમયનો વિડીયો પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી પર વાયરલ કર્યો હતો. વિડીયોમાં બન્ને થાર ગાડી દરિયાના પાણીમાં તરતી દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયો હતો અને ઘટનાની જાણ મુન્દ્રા મરીન પોલીસને થઈ હતી. જેથી બનાવની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસે સ્ટંટ બાજી કરતા આરોપી પરેશને ઝડપી લીધો હતો. જયારે અન્ય આરોપી કરણને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.