Site icon Revoi.in

નડાબેટ સીમાદર્શન કાર્યક્રમ બોર્ડર ટૂરિઝમ ક્ષેત્રે વિશ્વના પ્રવાસન નકશે ગુજરાતને આગવું સ્થાન અપાવશેઃ CM રૂપાણી

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત પાકિસ્તાન સરહદે અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર નડાબેટ ખાતે ‘સીમાદર્શન’ અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના હાથ ધરાઇ રહેલા વિવિધ પ્રવાસન વિકાસ કામોની નિરીક્ષણ કર્યું હતું. પ્રવાસન મંત્રી જવાહર ચાવડા સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી નડાબેટ પહોચ્યા હતા અને નડેશ્વરી માતાના ભાવપૂર્વક દર્શન કર્યાં હતા. સીમાદર્શનનો આ પ્રોજેકટ સમગ્રતયા અંદાજિત ૧૨૫ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે અને આગામી ૧૫ ઓગસ્ટ-ર૦૨૧ પહેલા પૂર્ણ થવાનો અંદાજ છે.  આ પ્રોજેકટ અન્વયે ગુજરાત પ્રવાસન નિગમે નડેશ્વરી માતાના મંદિર પાસે વિસામોની કામગીરી પૂર્ણ કરી છે.

નડેશ્વરી મંદિરથી સીમાદર્શન માટેના ઝીરો પોઇન્ટ સુધી જવાના માર્ગ પર ટી જંકશન પાસે વિવિધ યાત્રી સુવિધાના કામો અલગ-અલગ ચાર ફેઇઝમાં હાથ ધરાઇ રહ્યા છે.  મુખ્યમંત્રીએ આ કામોમાં ફેઇઝ-૧ના કામો જે અંદાજે રૂ. ૨૩ કરોડના ખર્ચે પૂર્ણતાને આરે છે તે કામો અને યાત્રી સુવિધાઓનું સ્થળ નિરીક્ષણ કરી સંપૂર્ણ વિગતો મેળવી હતી. બીજા ફેઇઝના કામોમાં અજય પ્રહરી સ્મારક, પરેડ ગ્રાઉન્ડ, એકઝીબીશન સેન્ટર અને સરહદ સલામતીની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેઇટના કામો હાલ ચાલી રહ્યા છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નડાબેટ સીમાદર્શન કાર્યક્રમ બોર્ડર ટૂરિઝમ ક્ષેત્રે વિશ્વના પ્રવાસન નકશે ગુજરાતને આગવું સ્થાન અપાવશે.  આ સ્થળની મૂલાકાતે આવનારા પ્રવાસીઓ આપણા સુરક્ષાબળોની જવાંમર્દી, રાષ્ટ્રપ્રેમ ભાવનાના ઇતિહાસથી ગૌરવાન્વિત થશે. પ્રવાસન પ્રવૃત્તિ વધતાં સ્થાનિક રોજગારીની તકોનું પણ સર્જન થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ર૦૧૬ના ડિસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં નડાબેટ ખાતેના આ બોર્ડર સિકયુરિટી ફોર્સના ઝીરો પોઇન્ટને સીમાદર્શન તરીકે ખૂલ્લો મૂકીને તેને બોર્ડર ટૂરિઝમની આગવી ઓળખ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.