નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં માઘી પૂનમે સાકરવર્ષા થશે, સ્વયંસેવકો તૈયારીમાં લાગ્યા
નડિયાદઃ શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમ એટલે કે માઘી પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે મંદિરમાં સાંજે સાકરવર્ષા થાય છે. તેના ભાગરૂપે આવતી 16મી ફેબ્રુઆરીએ માઘી પૂનમે દિવ્ય સાકરવર્ષા થશે. ત્યારે તેની મંદિર દ્વારા વિશિષ્ટ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા અને સમગ્ર દેશ-વિદેશમાં સેવાના પ્રતિકનું પથ દર્શાવતું શ્રી સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમ(માઘી પૂનમ)નું આગવું મહત્વ છે. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો 191માં સમાધિ મહોત્સવ નિમિત્તે આ પૂનમે સાંજે 6 વાગ્યે સાકરવર્ષા કરાશે. મહારાજે સમાધી લીધી ત્યારે સ્વયંમ દિપ પ્રગટેલા અને મહારાજે સાકરવર્ષા કરી હતી તેના પ્રતિકરૂપે દર વર્ષે મહાસુદ (માઘી) પૂનમે સાકરવર્ષા થાય છે.
સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે મહાસુદ પૂનમે સાંજે 6 કલાકે “જય મહારાજ”ના નાદ સાથે સાકરવર્ષા કરાશે. આ પહેલા દિવ્ય આરતી પણ કરવામાં આવે છે. મહાસુદ પૂનમને આડે હવે પખવાડિયા જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે મંદિર પ્રશાસન દ્વારા તેની તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. આ દિવસે સાકર અને કોપરાની ઉછામણી થાય છે. સ્વયંસેવકો દ્વારા આ ઉછામણી કરી સાકરવર્ષા કરવામાં આવે છે. જેની તૈયારીઔના ભાગરૂપે મંદિરમાં સંસ્થાના વિદ્યાર્થીઓ તથા સ્વયંસેવકો સાકરની તૈયારીઓમાં લાગી ચૂક્યા છે. સાકરમાંથી ચારણી વડે ભૂક્કી થઈ ગયેલી સાકરને અલગ કરવામા આવે છે અને આખી સાકરને પ્રસાદરૂપ લેવામાં આવે છે. જે સાકરવર્ષાના સમયે સ્વયંસેવકો દ્વારા ઉછામણી થશે. અંદાજીત 1500 કિલો સાકરની તૈયારીમાં સ્વયંસેવકો જોડાયા છે. દર વર્ષે આ પૂનમના આગળના દિવસે અને પાછળના દિવસો દરમિયાન નગરમાં અલગ જ નજારો હોય જોવા મળતો હોય છે કારણ કે આ દિવસે મેળાની રંગત જામતી હોય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે આ મેળો યોજાતો નથી. (file photo)