રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વર્ષે ડુંગળીના પાકનું બમ્પર ઉત્પાદન થતાં ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા હતા. તેના લીધે ખેડુતોને કરેલા ખર્ચ જેટલી રકમ પણ મળતી નહોતી. ખેડુતોની હાલત કફોડી બનતા આખરે નાફેડ દ્વારા ટેકાના ભાવે ડુંગળીની ખરીદીની જાહેરાત કરાતા ખેડુતો હરખાયા હતા. નાફેડ દ્વારા ભાવનગરના મહુવા, રાજકોટ, ગોંડલ સહિત કેટલાક કેન્દ્રો પર ડુંગળીની ખરીદી શરૂ કરી છે. પણ 45 એમએમથી નાની ડુંગળી ખરીદવામાં આવતી નથી. તેથી ખેડુતોની સ્થિતિ હતા ત્યાંના ત્યાં જ જેવી સર્જાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ડુંગળી વેચવા આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એક બાજુ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે. તો બીજી બાજુ નાફેડમાં ખેડૂતો પોતાની ડુંગળી વેચી નથી શકતા. 45 એમ.એમ.થી નાની ડુંગળી નાફેડ ખરીદતી નથી. હકીકતે 45 એમ.એમ.થી નાની ડુંગળીનો નિકાલ કરવો એ જ સૌથી મોટી સમસ્યા છે. કારણ કે ખુલ્લા બજારમાં એના જ ભાવ નથી મળતા. જ્યારે સારી ગુણવત્તાવાળી ડુંગળીની ડિમાન્ડ છે અને પૂરતા ભાવ મળે છે. યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવતા ખેડૂતો અને વેપારીમાં કચવાટ ફેલાયો છે.
રાજકોટ યાર્ડના સત્તાધીશોએ જણાવ્યું છે કે, હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે. જો આવા સંજોગોમાં ડુંગળીની આવક સ્વીકારવામાં આવે અને ખુલ્લામાં રાખીએ તો ખેડૂતનો માલ બગડી જાય. તેથી બુધવારથી ડુંગળીની આવક બંધ કરી છે. બુધવારે વાતાવરણમાં પલટો આવતા યાર્ડમાં જણસીની આવકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ગુરુવારે વાતાવરણ ચોખ્ખું બનતા મોટી સંખ્યામાં ખેડૂત યાર્ડમાં પોતાની જણસી લઈને આવ્યા હતા.વધુમાં વેપારીઓના જણાવ્યાનુસાર સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ ધ્રાબડિયું વાતાવરણ જોવા મળે છે તો ક્યાંક માવઠું થયું છે. જો વાતાવરણ યથાવત્ રહેશે તો આગામી દિવસોમાં તેની અસર શાકભાજીની આવક પર પડી શકે છે.
યાર્ડમાં ડુંગળીની ખરીદી કરતા વેપારીઓના કહેવા મુજબ હાલમાં ડુંગળી માટે કોઈ ખાલી પ્લેટફોર્મ જ નથી રહ્યું. કારણ કે એક પ્લેટફોર્મ ટેકાના ભાવે ચણાની જે ખરીદી થાય છે તેને આપ્યું છે. જ્યારે બાકીના પ્લેટફોર્મ પર શાકભાજીની આવક ઠાલવવામાં આવે છે. છેલ્લા બે દિવસથી ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે. જેને કારણે ખેડૂતોને તો મુશ્કેલી પડે છે. પરંતુ સાથોસાથ અહીંનો વેપાર પણ ઠપ થઈ ગયો છે. ડુંગળી માટે એક વધારાનું પ્લેટફોર્મ ફાળવવામાં આવે તો વેપાર રાબેતા મુજબ થાય તેમ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, નાફેડ દ્વારા ટેકાના ભાવે ડુંગળીની જે ખરીદી કરવામાં આવે છે, જેમાં 45 એમએમથી નાની ડુંગળી ખરીદ કરવામાં આવતી નથી. તેનો ખેડુતો વિરોધ કરી રહ્યા છે.