Site icon Revoi.in

હરિયાણામાં હવે 15મીએ નહીં, 17મીએ નાયબ સૈની લેશે શપથ, PM મોદી રહેશે હાજર

Social Share

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ જીત બાદ સરકારના ગઠનની તૈયારીઓ શરૂ કરી લીધી હતી. એટલું જ નહીં સીએમ નાયબ સૈનીએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ટોચના ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન નવી સરકારની શપથવિધિ સમારોહ 15મી ઓક્ટોબરના રોજ યોજવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ હવે આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હરિયાણાની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 17 ઓક્ટોબરે યોજાશે. આ કાર્યક્રમ 17 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે પંચકુલાના દશેરા ગ્રાઉન્ડમાં યોજાશે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે.

રાજ્યના મુખ્ય સચિવે કાર્યની તૈયારી માટે 10 સભ્યોની સમિતિની રચના કરી છે. નાયબ સૈનીનું સીએમ બનવું નિશ્ચિત છે. તેમની સાથે 10 થી 11 મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. ભાજપ બહુમતીમાં છે, જોકે ત્રણ અપક્ષ ધારાસભ્યો સાવિત્રી જિંદાલ, દેવેન્દ્ર કડિયાન અને રાજેશ જૂને ભાજપને સમર્થન જાહેર કર્યું છે. હવે પક્ષની તરફેણમાં 51 સભ્યો છે. સરકારને સમર્થન જાહેર કરનાર ત્રણ અપક્ષ ધારાસભ્યોમાંથી એકને મંત્રી બનાવવામાં આવી શકે છે. અગાઉની સૈની સરકારના દસમાંથી આઠ મંત્રીઓ અને વિધાનસભાના અધ્યક્ષ ચૂંટણી હારી ગયા છે. આવી સ્થિતિમાં નવી સરકારમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી શકે છે. સ્વર્ગસ્થ બંસીલાલની પૌત્રી શ્રુતિ ચૌધરીનું કેબિનેટમાં સામેલ થવું નિશ્ચિત માનવામાં આવે છે.

હરિયાણાના આગામી મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની હશે. પાર્ટીની અંદર આ અંગે કોઈ શંકા નથી. પીએમ મોદી અને શાહે તેમની રેલીઓમાં નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રીનો ચહેરો ગણાવ્યો હતો. આવી સ્થિતિમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને કોઈ સસ્પેન્સ નથી. જો કે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલાને લઈને પાર્ટીમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.