Site icon Revoi.in

નર્મદા જિલ્લાના 461 ગામડાંમાં નલ સે જલ યોજના નિષ્ફળ, વિરડાથી પાણી ભરવા મહિલાઓ મજબૂર

Social Share

રાપીપળાઃ નર્મદા જિલ્લામાં ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ આવેલો છે. આખા રાજ્યને સિંચાઈ અને પીવાનું પાણી પુરૂ પાડતા ડેમ વિસ્તારના કેટલાક ગામડાંઓ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેમાં નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલાં અલવા ગામની મહિલાઓ અને કિશોરીઓ માથા પર બેડા મુકીને પાણી ભરતા જતી જોવા મળી હતી. મહિલાઓ ગામમાંથી બે કિમી જેટલું ચાલીને નદીના કિનારે પહોંચે છે અને વિરડાં ખોદી તેમાંથી પીવાનું પાણી ભરે છે. આમ નર્મદાવા કાંઠા વિસ્તારના ગામો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાં 512 ગામોમાં નલ સે જલ યોજના અમલમાં મુકવામાં આવી છે અને તેમાંથી 461 ગામોમાં યોજના પૂર્ણ થઇ ગયું હોવાનું સરકારી ચોપડે દર્શાવવામાં આવ્યું છે પણ વાસ્તવિકતા અલગ જ છે. ગ્રામજનોનો આક્ષેપ છે. કે, વાસ્મોની કામગીરી નિષ્ફળ  નિવડી છે. પાણી પહોંચાડવા માટે કરોડો રૂપિયાનું અણઘડરીતે આંધણ કરી નાખ્યું છે. પાઇપલાઇનો નાખી દેવામાં આવી છે પણ સંપો તો બનાવ્યાં જ નથી. માત્ર કાગળ પર ફુલગુલાબી ચિત્ર બતાવવામાં આવી રહયું છે. વાસ્મોની નલ સે જલ યોજના 40 ટકા ગામોમાં નિષ્ફળ રહી છે. ઘરના આંગણે બનાવેલી ટાંકીઓ અને નળ પણ જાણે પાણીની રાહ જોઇ રહયાં હોય તેમ શોભાના ગાઠિયા સમાન બની ગયાં છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અલવા ગામના તડવી ફળિયામાં રહેતી મહિલાઓ મેણ નદીના કિનારે ખાડાઓ ખોદી તેમાંથી પીવાનું પાણી ભરે છે. આખા ગામની મહિલાઓ નદીએ ભેગી થાય તો ઝગડાના બનાવો બને છે અને પાણી ભરીને ઘરે આવતાં મોડુ થાય તો પુરૂષો પણ ગુસ્સો કરે છે. 2,500 થી 3,000 લોકોની વસતી ધરાવતાં અલવામાં દરેક ફળિયામાં બોર કે હેન્ડપંપ બનાવવામાં આવ્યાં છે. પણ સૌથી મોટી સમસ્યા પીવાના પાણીની છે. ભુર્ગભ જળ પ્રદુષિત થઇ જતાં પાણીમાં ક્ષારનું પ્રમાણ વધી ગયું છે તથા નલ સે જલ યોજના હેઠળ પીવાનું શુદ્ધ પાણી મળતું નથી તેથી મહિલાઓ મેણ નદીના પાણીનો ઉપયોગ કરી રહી છે.