Site icon Revoi.in

નાલંદા એ સત્યની ઘોષણા છે કે પુસ્તકો આગમાં બળીને ખાખ થઈ જાય તો પણ જ્ઞાનનો નાશ કરી શકાતો નથીઃ PM મોદી

Social Share

પટણાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારનાં રાજગીરમાં નાલંદા વિશ્વવિદ્યાલયનાં નવા પરિસરનું ઉદ્દઘાટન કર્યું હતું. આ યુનિવર્સિટીની કલ્પના ભારત અને ઈસ્ટ એશિયા સમિટ દેશો વચ્ચે જોડાણ તરીકે કરવામાં આવી છે. ઉદ્દઘાટન સમારંભમાં 17 દેશોના મિશનના પ્રમુખો સહિત અનેક પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ વિશ્વ વિદ્યાલયના પરિસરમાં એક વૃક્ષનું વાવેતર પણ કર્યું હતું.

ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, “આ ભારતની વિકાસલક્ષી સફરની દિશામાં સકારાત્મક સંકેત છે.” “નાલંદા એ માત્ર એક નામ નથી, તે એક ઓળખ છે, એક આદર છે. નાલંદા મૂળ છે, મંત્ર છે.” “નાલંદા એ સત્યની ઘોષણા છે કે પુસ્તકો આગમાં બળીને ખાખ થઈ જાય તો પણ જ્ઞાનનો નાશ કરી શકાતો નથી.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “નવી નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપનાથી ભારતનો સુવર્ણયુગ શરૂ થશે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, “નાલંદાને તેના પ્રાચીન ખંડેરો નજીક પુનઃકાર્યરત કરવાથી ભારતની ક્ષમતાઓ દુનિયા સમક્ષ રજૂ થશે, કારણ કે તેનાથી દુનિયાને તે જાણમાં આવશે કે મજબૂત માનવીય મૂલ્યો ધરાવતાં દેશો ઈતિહાસનો કાયાકલ્પ કરીને વધુ એક સારી દુનિયાનું નિર્માણ કરવા સક્ષમ છે.”

નાલંદા યુનિવર્સિટી કેમ્પસમાં બે એકેડેમિક બ્લોક્સ છે. જેમાં 40 વર્ગખંડો છે, જેમાં કુલ બેઠક ક્ષમતા લગભગ 1900 જેટલી છે. અહીં બે ઓડિટોરિયમ છે, જેમાં પ્રત્યેકમાં 300 બેઠકની ક્ષમતા છે. લગભગ 550 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી વિદ્યાર્થી છાત્રાલય અને અન્ય વિવિધ સુવિધાઓ છે. જેમાં એક આંતરરાષ્ટ્રીય કેન્દ્ર, એક એમ્ફિથિયેટર છે. જેમાં 2000 વ્યક્તિઓને સમાવી શકાય છે. એક ફેકલ્ટી ક્લબ અને એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે.

આ પરિસર એક ‘નેટ ઝીરો’ ગ્રીન કેમ્પસ છે. તે સોલાર પ્લાન્ટ, ડોમેસ્ટિક અને ડ્રિન્કિંગ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ગંદા પાણીના પુનઃઉપયોગ માટે વોટર રિસાયક્લિંગ પ્લાન્ટ, 100 એકર જળાશયો અને અન્ય ઘણી પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ સાથે સ્વનિર્ભર છે. વિશ્વવિદ્યાલયનો ઈતિહાસ સાથે ઊંડો સંબંધ છે. મૂળ નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના લગભગ 1600 વર્ષ પહેલા કરવામાં આવી હતી, જેને વિશ્વની પ્રથમ યુનિવર્સિટીઓમાં એક ગણવામાં આવે છે. નાલંદાના અવશેષોને 2016માં યુએન હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.