અમદાવાદઃ જખૌ નજીકથી પડકાયેલા રૂ. 200 કરોડના ડ્રગ્સ રેકેટમાં એટીએસની ટીમે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્શ બિશ્નોઈના રિમાન્ડ પુરા થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નલિયા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. એટીએસની ટીમે આરોપીના વધારે રિમાન્ડની માંગણી નહીં કરતા અદાલતે તેને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. કુખ્યાત ગેંગસ્ટેર લોરેન્શને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદની સાબરમતી જેલમાં ખસેડવાની કવાયત શરૂ કરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જખૌ નજીકથી પાકિસ્તાનથી લવાયેલા રૂ. 200 કરોડનો ડ્રગ્સનો જથ્થો સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો હતો. આ કેસમાં ગુજરાત એટીએસની ટીમે ઉંડાણપૂર્વકની તપાસ આરંભી હતી.
પોલીસની તપાસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સંડોવણી સામે આવી હતી. જેથી એટીએસની ટીમે ટ્રાન્સફર વોરન્ટના આધારે તેની ધરપકડ કરી હતી. તેમજ ગુજરાત લાવીને નલિયાની કોર્ટમાં રજુ કરાયો હતો.
એટીએસની ટીમે કોર્ટમાંથી 14 દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. આજે રિમાન્ડ પૂર્ણ થતા તેને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. એટીએસની ટીમે તેના વધારે રિમાન્ડની માંગણી નહીં કરતા જેલમાં મોકલી આપવા આદેશ કર્યો હતો.
એટીએસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાનું જાણવા મળે છે. ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા લોરેન્સના સાગરિતો ગુજરાતમાં હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસે તેના સાગરિતો સામે પણ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ લોરેન્સનું પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું છે. હાઈ સિક્યુરિટી ધરાવતી અમદાવાદની સાબરમતી જેલમાં તેને ખસેડવાની કવાયત શરુ કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોરેન્શને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવશે.