દિકરાનું નામ ‘પ્રધાનમંત્રી’ રાખ્યું, તો બર્થ સર્ટિફિકેટ મેળવવા માટે ત્રણ મહિના કરવી પડી મહેનત
- દિકરાનું નામ ‘પ્રધાનમંત્રી’ રાખ્યું
- બર્થ સર્ટિફિકેટ લેવામાં પડી તકલીફ
- જાણો આવું કેમ થયું
મુંબઈ: ક્યારેક લોકોને પોતાના દિકરા દિકરીના નામ એવા રાખવા ગમતા હોય છે તેને જોઈને લોકો ચોંકી જાય છે. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રમાં સામે આવ્યો છે. આ કિસ્સામાં વાત એવી છે કે મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જારી જન્મ પ્રમાણપત્ર પર બાળકનું નામ પંતપ્રધાન લખ્યુ છે. પંતપ્રધાનને મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી કહે છે.
મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના ઉમરગા તાલુકાના ચિંચોલી ગામમાં રહેતા દત્તાત્રય ચૌધરીએ પોતાના પુત્રનું નામ પંતપ્રધાન રાખ્યુ છે, પરંતુ આ નામ મેળવવા માટે તેણે ત્રણ મહિના સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડ્યા. શરૂઆતમાં તો તે કહીને ના પાડી દેવામાં આવી કે પંતપ્રધાન નામ ન આપી શકાય કારણ કે આ એક બંધારણીય પદ હોય છે. દત્તાત્રય ચૌધરીએ પણ હાર ન માની અને પોતાના પુત્ર માટે પંતપ્રધાન નામ લઈને માન્યા હતા.
ઉલ્લેખનીય છે કે દત્તાત્રય ચૌધરીએ આ પહેલા વર્ષ 2020માં જન્મેલા પોતાના મોટા પુત્રનું નામ રાષ્ટ્રપતિ રાખ્યુ હતું. જ્યારે તેને ત્યાં બીજા પુત્રનો જન્મ થયો તો નામ રાખ્યુ પંતપ્રધાન. દત્તાત્રય ચૌધરીનું કહેવુ છે કે પંતપ્રધાન અને રાષ્ટ્રપતિ નામ રાખવાની પાછળ તેનો વિચાર છે કે તેના બાળકોને પ્રેરણા મળશે અને તેમનું સપનું છે કે કોઈ દિવસ તે મોટા બંધારણીય પદ સુધી પહોંચે.