ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજ્ય મેળવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવા મંત્રી મંડળે કાર્યભાર સંભાળી લીધો છે. હાલ મંત્રીઓના સ્ટાફની કામચલાઉ ધોરણે નિમણૂકો કરવામાં આવી છે. પણ કાયમી નિમણૂકો તો કમલમ્ દ્વારા જ કરાશે. મંત્રીઓ પોતાના પીએસ અને પીએ માટે ભલામણ કરી શકે છે. પરંતુ નિર્ણય તો પ્રદેશ ભાજપના કમાન્ડ દ્વારા જ કરાશે. એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના નવનિયુક્ત મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો છે અને કામગીરીની શરૂઆત કરી છે પરંતુ તેમની મદદમાં તેમના અંગત સ્ટાફની નિમણૂક થઇ નથી. ગત વખતની જેમ આ વખતે પણ મંત્રીઓના પીએ- પીએસનું લિસ્ટ કમલમમાંથી આવશે તેવું ચર્ચાઇ રહ્યું છે. મંત્રીઓને કોઇ ચોક્કસ અધિકારીને અંગત સચિવ તરીકે રાખવા હશે તો તેના નામની ભલામણ પણ તેમણે પાર્ટીમાં કરવી પડશે. સપ્ટેમ્બર-2021માં ભૂપેન્દ્ર પટેલની સરકાર બની ત્યારે તમામ મંત્રીઓમાં જે નો રિપિટ થિયરી અમલી બનાવી હતી તેવી જ થિયરી મંત્રીઓના પીએ-પીએસ માટે પણ લાગુ કરવામાં આવી હતી. પરિણામે અગાઉના મંત્રીઓના પીએ- પીએસ રહી ચૂકેલા એકપણ અધિકારીને નિમણૂક આપવામાં આવી ન હતી. આ વખતે પણ નવા મંત્રીઓને તેમના સ્ટાફની નિમણૂંક કરવાની સત્તા નહીં મળે. જે મંત્રીઓ રિપીટ થયા છે તે તેમનો સ્ટાફ યથાવત રાખી શકશે. હાલ સરકારે હંગામી ધોરણે તમામ મંત્રીઓને ત્યાં પીએ- પીએસ તરીકે અધિકારીઓની નિમણૂક કરી છે. આ ઉપરાંત મંત્રીઓના અંગત માણસો પણ મંત્રીને મદદ કરી રહ્યા છે પરંતુ એકાદ અઠવાડિયામાં પાર્ટી તરફથી તમામ મંત્રીઓના પીએ- પીએસની યાદી આખરી કરીને તેમને નિમણૂક આપવામાં આવે તેવી શક્યતા છે. મંત્રીઓ પોતાના સ્ટાફમાં અંગત વ્યક્તિ રાખવા હોય તો તેની માત્ર ભલામણ કરી શકશે, વિગતો ચકાસ્યા બાદ મંજૂરી આપવામાં આવશે.