નમો ભારત ટ્રેન નવા ભારતનું સંકલ્પઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
દેશની પ્રથમ નમો ભારત ટ્રેનનું ઉત્તરપ્રદેશના સાહિબાબાદ રેપિડએક્સ સ્ટેશન ઉપર ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગ્રે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, નમો ભારત ટ્રેન નવા ભારતનો સંકલ્પ છે. આજે સમગ્ર દેશમાં ઐતિહાસિક ક્ષણ છે. આજે દેશમાં પ્રથમ રેપિડએક્સ ટ્રેન શરુ થઈ છે. જેનું શિલાન્યાસ અમે કર્યું હતું અને ઉદ્ઘાટન પણ અમે જ કર્યું છે. નમો ભારત ટ્રેન નવા ભારતની પરિભાષિત કરે છે. દરેક ક્ષેત્રમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે મને આ આધુનિક ટ્રેન યાત્રાનો અનુભવ પ્રાપ્ત થયો છે. મારુ નાનપણ રેલ્વે પ્લેટફોર્મ ઉપર પસાર થયું છે અને આજે રેલવેનું આ નવુ સ્વરૂપ મને વધારે આનંદિત કરે છે. આપણા ત્યાં નવરાત્રિ પર્વમાં શુભ કાર્યોની પરંપરા રહી છે. દેશની પ્રથમ નમો ભારત ટ્રેનને મા કાત્યાયની ના આશીર્વાદ પ્રાપ્ત થયાં છે. આ નવી ટ્રેનમાં ચાલકથી લઈને તમામ કર્ચારીઓ મહિલાઓ છે, આ ભારતની આગળ વધી રહેલી નારીશક્તિનું પ્રતિક છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતનો વિકાસ વિવિધ રાજ્યોના વિકાસથી સંભવ છે. આજે બેંગ્લુરુમાં મેટ્રોની બે લાઈન દેશને સમર્પિત કરાઈ છે. જેથી બેંગ્લુરુના આઈટી હબને વધારે સારી કનેક્ટિવિટી મળશે. હવે બેંગ્લુરુમાં દરરોજ લગભગ આઠ લોકો મેટ્રોમાં પ્રવાસ કરી શકશે. 21મી સદીમાં આજના ભારતે અનેક ક્ષેત્રમાં વિકાસની ગાથા લખી છે. આજનું ભારત ચંદ્રયાનને ચંદ્ર ઉપર ઉતારીને સમગ્ર દુનિયામાં છવાયું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, દિલ્હી-મેરઠ વચ્ચેનો 80 કિમીથી વધારેનો ટ્રેક માત્ર એક શરુઆત છે. પ્રથમ ફેઝમાં દિલ્હી, યુપી, હરિયાણા અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં નમો ભારત ટ્રેનથી જોડાશે. બદલાતા ભારતમાં ખુબ જરુરી છે કે, તમામ દેશવાસીઓનું જીવનસ્તર સુધરે, લોકો સ્વચ્છ હવા શ્વાસમાં લે, ઉચ્ચ શિક્ષણ સંસ્થાન અને સારામાં સારી આરોગ્ય સેવાની વ્યવસ્થા હોય. આ તમામ ઉપર હાલ ભારત સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે, જાહેર પરિવહન પાછળ આજે ભારત સરકાર જેટલો ખર્ચ કરે છે, એટલો આપણા દેશમાં કોઈએ નથી કર્યો.