નેન્સી પેલોસીનું ચીન વિરુદ્ધ નિવેદન, કહ્યુ ચીનમાં યોજાનારી ઓલિમ્પિક-2022નો વિશ્વએ કરવો જોઈએ વિરોધ
- અમેરિકન ડેમોક્રેટ નેન્સી પેલોસીનું મોટુ નિવેદન
- ચીન વિરુદ્ધ ફરીવાર અમેરિકા આમને સામને
- કહ્યુ ચીનમાં યોજાનારી ઓલિમ્પિકનો થવો જોઈએ બહિષ્કાર
દિલ્લી: કોરોનાવાયરસ મહામારી બાદ સમગ્ર વિશ્વમાં ચીન વિરોધી વાતાવરણ સર્જાયુ હોય તેવુ જોવા મળી રહ્યું છે. કેટલાક દેશોના સંબંધો ચીન સાથે હદ કરતા વધારે બગડી ગયા છે જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર અમેરિકા દ્વારા તો ચીન વિરુદ્ધ સતત નિવેદનો આવતા રહ્યા છે પરંતુ હવે ફરીવાર અમેરિકા દ્વારા મોટુ નિવેદન સામે આવ્યું છે.
અમેરિકાના પ્રતિનિધિ સ્પીકર નેન્સી પેલોસીએ અમેરિકાના રાજદ્વારીઓને ચીનમાં યોજાનાર વિન્ટર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. આવતા વર્ષે 4 ફેબ્રુઆરી 2022ના રોજ ચીનમાં ચાઈના વિન્ટર ઓલિમ્પિકનું ઉદ્ઘાટન થનાર છે.
નેન્સી પેલોસી દ્વારા આ પ્રકારે અવાજ ઉઠાવવા પાછળનું કારણ છે કે ચીનમાં ઉઈગર્સ મુસ્લીમ અને અન્ય વંશીય લઘુમતીઓના નરસંહાર. પેલોસીએ કહ્યું કે, જ્યારે ચીનની સરકાર આ નરસંહારને આગળ વધારી રહી છે, ત્યારે ચીનમાં ઓલિમ્પિક જેવી રમતને અનુમતી આપીને આપણે જ ચીનની સરકારનો સાથ આપી રહ્યાં હોવાનો સંકેત મળે છે. તેથી આપણે સૌએ, વિશ્વને સાથે લઈને ચીનનો વિરોધ કરવો જોઈએ. ચીનમાં ઓલિમ્પિકસ રદ્દ કરીને કે પછી ચીનમાંથી અન્ય સ્થળે ઓલિમ્પિકસ ખસેડવાથી ચીન સરકારનું અપમાન નક્કી છે.
ડેમોક્રેટ પેલોસીએ એક દ્વિપક્ષીય કોંગ્રેસની સુનાવણીમાં જણાવ્યું કે, દુનિયાભરના રાષ્ટ્રપતિઓએ ફેબ્રુઆરીમાં યોજાનાર રમતોત્સવથી દૂર રહેવું જોઈએ.
આ બાબતે સચ્ચાઈ એ છે કે થોડા સમય પહેલા સંયુક્ત રાષ્ટ્રની એક સ્વતંત્ર કમિટીએ રજૂ કરેલા રીપોર્ટમાં ખુલાસો થયો હતો કે, ચીનમાં અંદાજે 10 લાખ ઉઈગર્સ અને અન્ય મુસ્લિમોને શિંગજિયાંગ વિસ્તારના કેમ્પમાં રાખવામાં આવ્યા હતા. યુએનના આ રિપોર્ટને ચીનની કોમ્યુનિસ્ટ સરકાર દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો અને બાદમાં હકીકત કઈંક અલગ હતી, જે યુએનના રીપોર્ટમાં બહાર આવી હતુ.
બેઠકમાં સામેલ મોટાભાગના સભ્યોએ પેલોસીના આ આહ્વાનને ટેકો આપ્યો છે અને રમતોત્સવ સ્થગિત કરવાની વાતને ટેકો આપ્યો છે. આ ઓલિમ્પિકને એક વર્ષ માટે સ્થિગત કરવા સૌ સહમત થયા છે.