ભાવનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે જન્માષ્ટમીના દિને એક દિવસીય ભાવનગર જિલ્લાના પ્રવાસે આવશે. અને શહેરના બોર તળાવ ખાતે આયોજિત ભવ્યાતિભવ્ય નંદોત્સવ મટકી ફોડ કાર્યક્રમમાં વિશેષરૂપે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી જવાહર મેદાન ખાતે યોજાયેલા મેળામાં પણ હાજરી આપશે. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી મુખ્યમંત્રીની સાથે રહેશે.
ભાવનગર નંદોત્સવ સમિતિ દ્વારા શહેરમાં પશ્ચિમના વિવિધ વિસ્તારોમાં જન્માષ્ટમી પર્વની ઊજવણી રંગે ચંગે કરાશે. કોરોના સમયગાળા બાદ પ્રથમવાર યોજાઈ રહેલા દહીં- હાંડીના કાર્યક્રમ માટે મહારાષ્ટ્રનાં 150થી વધુ ગોવિંદાઓ ભાવનગરમાં આવ્યા છે. શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં આજે એટલે કે તા.19-8નાં રોજ કાળીયાબીડ ખાતે સવારે 10 કલાકે, શીતળા માતાના મંદિર પાછળ બાનુબેનની વાડી ખાતે બપોરે 12 કલાકે, કુંભારવાડા અક્ષર પાર્ક ખાતે બપોરે 1 કલાકે, મહાત્મા ગાંધી સરકારી નિશાળ હાદાનગર ખાતે બપોરે 3 કલાકે, ધનજીભાઈ ચોક, ફુલસર ખાતે સાંજે 5 કલાકે અને બાલવાટિકા પાસેનો પોપડો, બોરતળાવ ખાતે સાંજે 7 કલાકે ભવ્યાતી ભવ્ય નંદોત્સવ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાવા માટે શિક્ષણ મંત્રીએ શહેરીજનોને અપીલ કરી છે.
રાજ્યના મુખ્યમંત્રીને પણ મટકીફોડના કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ અપાયું હતુ તેમણે આમંત્રણનો સ્વીરાક કર્યો છે. અને આજે શુક્રવારે મુખ્યમંત્રી ભાવનગરની મુલાકાતે આવશે. મુખ્યમંત્રીના આગમનને લીધે વહિવટી તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લા કલેકટર સહિત અધિકારીઓએ મુખ્યમંત્રીના સ્વાગત માટે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. દરમિયાન જન્માષ્ટમીના પર્વને લઈને શહેરમાં પોલીસનો બંદોબસ્ત સઘન બનાવવામાં આવ્યો છે.