Site icon Revoi.in

જમીનના સ્વાસ્થ્ય અને પર્યાવરણના માટે યુરીયાના સ્થાને નેનો યુરીયા શ્રેષ્ઠ વિકલ્પ: કૃષિ મંત્રી

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ બાદ રાજ્યના ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં પાક વાવેતર કર્યું છે. ખેડૂતો વધુ પાક ઉત્પાદન અને આવક મેળવી આર્થિક રીતે સજ્જ થવા હાલ ખેતીમાં પોતાનો જીવ રેડી રહ્યા છે. પરંતુ રાજ્યના કેટલાક ખેડૂતો વધુ આવક મેળવવાની લાલચમાં રસાયણિક ખાતર અને પરંપરાગત દાણાદાર યુરીયા ખાતરોનો આડેધડ ઉપયોગ કરતા હોય છે, જે જમીનના સ્વાસ્થ્ય ઉપરાંત પર્યાવરણને પણ નુકશાન કરે છે.

રાજ્યના ખેડૂતોને દાણાદાર યુરિયાના બદલે નેનો યુરિયાનો ઉપયોગ કરવાની ભલામણ કરતા કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, નેનો યુરિયાની 500 મિ.લી.ની એક બોટલ, 45 કિ.ગ્રા. દાણાદાર યુરિયાની એક થેલીની ગરજ સારે છે. સાથે જ નેનો યુરીયાની કાર્યક્ષમતા પણ દાણાદાર યુરીયા કરતા 90 ટકાથી વધારે છે. દાણાદાર યુરીયા ખેતરમાં નાખવામાં આવે છે ત્યારે, માત્ર 20 થી 30 ટકા ખાતરનો જ નાઈટ્રોજન સ્વરૂપમાં ઉપયોગ થાય છે. જ્યારે, બાકીનું યુરીયા ખાતરનો વ્યય થાય છે. ખાતરનો વ્યય અટકાવીને જમીનનું સ્વાસ્થ્ય જાળવવા માટે નેનો યુરિયા શ્રેષ્ઠ વિકલ્પ છે.

કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, ખેડૂતો દાણાદાર યુરિયાના સ્થાને નેનો યુરીયાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત થાય તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે આ વર્ષે નવી પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત નેનો યુરિયાની ખરીદી પર ખેડૂતોને પ્રતિ હેકટર વધુમાં વધુ રૂ. 750ની મર્યાદામાં સીધી ખરીદ કિંમત પર સહાય આપવામાં આવશે. વર્ષ 2024-25  દરમિયાન આ યોજના અંતર્ગત 45 લાખ નેનો યુરીયાની બોટલ પર સહાય આપવામાં આવશે. નેનો યુરીયાના વપરાશને પ્રોત્સાહિત કરતી આ યોજના માટે અંદાજપત્રમાં રૂ. 45 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મંત્રી  રાઘવજી પટેલે રાજ્યના ખેડૂત મિત્રોને અનુરોધ કરતા કહ્યું હતું કે, કેન્દ્રીય સહકારિતા મંત્રી  અમિત શાહે પણ તાજેતરમાં જ નેનો યુરીયા માટે ગુજરાત સરકારે અમલમાં મૂકેલી પ્રોત્સાહક યોજનાની સરાહના કરીને મહત્તમ ખેડૂતો દાણાદાર યુરિયાની અવૈજમાં નેનો યુરીયાનો ઉપયોગ કરે તે માટે હિમાયત કરી હતી. ખેડૂતોને નેનો યુરિયા પોતાના નજીકના ખાતર ડેપો, સહકારી મંડળીઓ, એગ્રો બિઝનેસ સેન્ટર, ખાતરની દુકાન ખાતે સરળતાથી ઉપલબ્ધ થશે. યુરિયાની બોટલ નાની હોવાથી ખેડૂતો બજારમાં ખરીદી કરવા જાય ત્યારે, પોતાની સાથે થેલીમાં યુરીયાની બે-પાંચ બોટલ સરળતાથી લઈ આવી શકે છે.