અમદાવાદઃ દુષ્કર્મના કેસમાં આશારામ રાજસ્થાનની જેલમાં સજા ભોગવી રહ્યા છે. દરમિયાન તેમની તબીયત લથડતા સારવાર માટે એઈમ્સમાં દાખલ કરાયા છે. ત્યારે સુરતમાં જેલવાસ ભાગવી રહેલા આશારામના દીકરા નારાયણ સાંઈએ તેના પિતાની દેખભાળ માટે 20 દિવસના જામીન માંગ્યા છે. જામીન અરજી પર આવતી કાલે તા. 29 જાન્યુઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્ણય લેવાશે.
રાજસ્થાનની જેલમાં આશારામ આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યા છે. આશારામની તબિયત લથડતા તેમને સારવાર માટે એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યારે સુરતમાં જેલવાસ ભોગવતા આસારામના દીકરા નારાયણ સાંઈએ ગુજરાત હાઈકોર્ટમાં 20 દિવસના હંગામી જામીન માંગ્યા છે. નારાયણ સાઈએ પોતાની જામીન અરજીમાં જણાવ્યું છે કે તેમના પિતાની ઉંમર 85 વર્ષ છે, જ્યારે માતાની ઉંમર 80 વર્ષની છે. તે પોતે માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. ત્યારે તેના પિતાની તબિયત નાદુરસ્ત હોવાથી આશારામને જોધપુર AIIMS ખાતે દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત બગડતી જાય છે. તેમને હૃદયને લગતી તકલીફ હોવાથી બાયપાસ સર્જરી અથવા એન્જિયોગ્રાફી કરવી પડે એવી શક્યતા છે. ડોક્ટરે પણ આશારામની ઉંમર વધુ હોવાથી સર્જરીમાં વધુ જોખમ હોવાનું જણાવ્યું છે. પિતાની સર્જરી માટે અને અન્ય સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓ માટે અન્ય ડોક્ટરનો પણ સંપર્ક કરવાનો છે. પોતાના પિતા આશારામને પણ મેડિકલ સારવાર માટે જામીન આપેલા છે. નારાયણ સાઈએ જામીન અરજી સાથે AIIMSના ડોક્યુમેન્ટ પણ જોડ્યા હતા. નારાયણ સાઈએ જણાવ્યું હતું કે તે ડિસેમ્બર 2013થી જેલમાં છે. આ દરમિયાન ફક્ત તેને ચાર અઠવાડિયા જેટલો જ સમય હંગામી જામીન માટે મળ્યા છે. અગાઉ કોર્ટ ફર્લો પણ નકારી ચૂકી છે, જેથી કરીને તેને પિતાની સારવાર માટે 20 દિવસના હંગામી જામીન આપવા માગણી કરવામાં આવી છે. આ જામીન અરજી કાલે 29 જાન્યુઆરીના રોજ હાઈકોર્ટના જજ એ.એસ. સુપેહીઆ અને વિમલ વ્યાસની કોર્ટમાં રજૂ થશે.
અત્રે ઉલ્લેખનીય છે. કે, આશારામના પુત્ર નારાયણ સાઈ સામે સુરતની એક મહિલાએ વર્ષ 2013માં જહાંગીરપુરા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. નારાયણ સાઈ સામે સુરતની સેશન્સ કોર્ટમાં વર્ષ 2014માં કેસ દાખલ થયો હતો, જેનો વર્ષ 2019માં ચુકાદો આવ્યો હતો. એમાં કોર્ટે નારાયણ સાઈને આજીવન કારાવાસની સજા ફટકારી હતી, જેને નારાયણ સાઈએ હાઇકોર્ટમાં પડકારી અને કેસ પેન્ડિંગ છે.