કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક જાહેર સભાને સંબોધિત કરી.ગૃહમંત્રીએ કહ્યું, એક તરફ મોંમાં ચાંદીની ચમચી લઈને જન્મેલા રાહુલ બાબા છે અને બીજી તરફ પછાત વર્ગના ગરીબ ચા વેચનારના પરિવારમાં જન્મેલા મોદીજી છે. મોદીજીએ છેલ્લા 23 વર્ષથી રજા લીધી નથી અને સરહદ પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી છે. આ સાથે તેમણે કહ્યુ કે, સિત્તેર વર્ષો સુધી કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ રામ મંદિરના નિર્માણમાં અવરોધ ઉભો કર્યો પરંતુ મોદીજીએ કેસ જીત્યો, શિલાન્યાસ કર્યો અને રામ મંદિરનું ઉદ્ઘાટન પણ કર્યું.
તેમણે દાવો કર્યો કે, નરેન્દ્ર મોદી સરકાર તેનો ત્રીજો કાર્યકાળ હાંસલ કરવા તરફ આગળ વધી રહી છે. અમિત શાહે કહ્યું, છેલ્લા ચાર તબક્કામાં મોદીજીએ 270 સીટો મેળવી છે અને ત્રીજી ટર્મ તરફ આગળ વધી રહ્યા છે. બીજી તરફ રાહુલ ગાંધીનું INDIA ગઠબંધનનો સફાયો થઈ ગયો છે. મોદીજી ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.
અમિત શાહે કહ્યું, કોંગ્રેસનો વોટ બેંકનો લોભ એટલો વધી ગયો છે કે તેમના એક નેતા મણિશંકર અય્યરે અમને PoK વિશે વાત ન કરવા કહ્યું છે. તે કહી રહ્યા છે કે, પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે અને આપણે PoK પર આપણો અધિકાર માંગવો જોઈએ નહીં. હું તમને કહેવા માંગુ છું કે, આ નરેન્દ્ર મોદી સરકાર છે અને અમે પરમાણુ બોમ્બથી ડરતા નથી. PoK ભારતનું છે અને અમે તેને પાછું લઈશું.