નવી દિલ્હીઃ જી20 ડિનરના આયોજનની આમંત્રણ પત્રિકામાં પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાને બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યાનો વિપક્ષે દાવો કરીને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. આ વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યાં ભાજપાના પ્રવક્તા સંબિત પાત્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રાઈમ મિનિસ્ટર ઓફ ભારત તરીકે સંબોધિત કર્યાં છે. સંબિત પાત્રાએ પીએમ મોદીના ઈન્ડોનેશિયા યાત્રાના સંબંધમાં સત્તાવાર જાણકારી આપી હતી જેમાં તેમણે લખવામાં આવ્યું હતું કે, પ્રાઈમ મિનિસ્ટર ઓફ ભારત.
પીએમ મોદી 20મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને 18મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા બુધવારે રાત્રે ઈન્ડોનેશિયા જવા રવાના થશે. PM મોદીને ‘ભારતના વડા પ્રધાન’ તરીકે સંબોધવામાં આવે તે પહેલાં, G20 ડિનર માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા મોકલવામાં આવેલા આમંત્રણ પત્રમાં તેમને ‘ભારતના રાષ્ટ્રપતિ’ તરીકે ઓળખવામાં આવ્યા હતા.
આ અંગે સરકાર અને વિપક્ષ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી હતી. વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યો કે સરકાર ‘ઈન્ડિયા’ શબ્દને હટાવવાની યોજના બનાવી રહી છે અને દેશનું નામ માત્ર ભારત જ રહેશે. ભાજપના વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓએ રાષ્ટ્રપતિ ભવનના પગલાની પ્રશંસા કરી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે જ્યારે દેશનું નામ ભારત હોય ત્યારે પ્રેસિડેન્ટ ઓફ ભારત કહેવામાં શું વાંધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયાના બદલે હવે સરકારી આમંત્રણ પત્રિકાઓમાં પણ ભારતનો ઉપયોગ કરવામાં આવતા કોંગ્રેસ સહિતના વિપક્ષ દ્વારા સરકાર અને ભાજપા ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. વિપક્ષી એકતાનું નામ I.N.D.I.A અપાયા બાદ ડરી ગયેલી સરકારે આ પગલુ ભર્યાનો આક્ષેપ કર્યો હતો.