પાલનપુરઃ બનાસકાંઠાના દિયોદરના સણાદર ખાતે બનાસ ડેરીના બીજા અત્યાધુનિક ડેરી પ્લાન્ટનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામા આવ્યું હતું આ સમારોહમાં હજારોની સંખ્યમાં જનમેદની ઉમટી પડી હતી. મોટી સંખ્યામાં બહેનોએ વડાપ્રધાન મોદીના ઓવારણા લઈ આશીર્વાદ આપ્યા હતા. આટલી મોટી સંખ્યામાં માતા-બહેનોના આશીર્વાદ પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી પોતે એક ક્ષણ માટે ભાવુક થઈ ગયા હતા. આ પ્રસંગે વડાપ્રધાને તેમના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, મારા જીવનમાં પહેલીવાર એવું બન્યું છે કે, એક સાથે દોઢથી બે લાખ માતાઓ અને બહેનોએ મને આર્શીવાદ આપ્યા છે. આ આશીર્વાદ મારા માટે અનમોલ છે.
દિયોદરના સણાદરમાં રૂ.600 કરોડથી વધુના ખર્ચે બનાવેલી બીજી ડેરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શંકર ચૌધરીએ પોતાના સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપડે બધા સાથે રહીને મોદી સાહેબના ‘હુમણાં'(ઓવારણા) લઇએ. દેશની લાખો પશુપાલક બહેનોને તમે જે મદદ કરો છો. આપને મા જગદંબા દેશવાસીઓની સેવા કરવાની ખુબ શક્તિ આપે. શંકર ચૌધરીએ આટલુ કહેતા હજારો મહિલાઓએ વડાપ્રધાનના ઓવારણા લઇને આશિવાર્દ આપ્યાં હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, મારા જીવન પહેલીવાર એવું બન્યું છે કે, એક સાથે દોઢથી બે લાખ માતાઓ અને બહેનોએ અમને સૌને આર્શીવાદ આપી રહ્યાં છે. જ્યારે મહિલાઓ ઓવારણાં લેતી હતી. ત્યારે હું મારા મનની ભાવનાઓને રોકી ના શક્યો. આપના આર્શીવાદ મા જગદંબાની ભૂમિની માતાઓના આર્શીવાદ મારા માટે અનમોલ આર્શીવાદ છે. અનમોલ શક્તિનું કેન્દ્ર છે. અનમોલ ઉર્જાનું કેન્દ્ર છે. હું બનાસની સૌ માતા અને બહેનોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું.
સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરી દ્વારા એક જ જિલ્લામાં બીજો મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનીટી રેડીયો સ્ટેશન FM 90.4 સહીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં કરવા આવ્યું હતું.
આ ઉપરાંત કાર્યક્રમના સ્થળેથી વડાપ્રધાનના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હત કરવામાં કર્યું હતું. ઇ-લોકાર્પણમાં બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાવડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન દામા (ડીસા) અને ઇ- ખાતમુહૂર્તમાં નવીન 4 ગોબરગેસ પ્લાન્ટ- ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા) દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ લોકાર્પણ તેમજ ઈ ખાદ્ય મુહૂર્ત કર્યું હતું.