પટણાઃ દેશમાં વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને લઈને મોટી ભવિષ્ય વાણી કરી છે. તેમણે લોકસભાની ચૂંટણીમાં ભાજપા 300થી વધારે બેઠકો ઉપર ભવ્ય વિજય મેળવવાની સાથે સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનતા હોવાનો દાવો કર્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ અસમના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. દરમિયાન તેમણે ડિબ્રુગઢમાં એક જનસભાને સંબોધીત કરી હતી. જેમાં તેમણે કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી તથા વિપક્ષના અન્ય નેતાઓ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, હું કોંગ્રેસને કહેવા માગુ છું કે ભાજપ અસમની 14માંથી 12 બેઠકો ઉપર ભાજપની જીત થશે. જ્યારે નરેન્દ્ર મોદી 300થી વધારે બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી સાથે ત્રીજીવાર વડાપ્રધાન બનશે.
ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીને દક્ષિણ ભારતમાં વધારે મજબુત કરવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જ્યારે ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પંજાબ સહિતના ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં પાર્ટીને વધારેમાં વધારે બેઠક મળે તે માટે રણનીતિ તૈયાર કરી છે. બીજી તરફ કોંગ્રેસ સહિતના રાજય પાર્ટીઓએ પણ ભાજપાને ઘર ભેગી કરવા માટે એક મંચ ઉપર આવવાના પ્રયાસો શરુ કર્યાં છે. જો કે, વિપક્ષમાં વડાપ્રધાન પદના ઉમેદવારને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચે ટીએમસી, એનસીપી સહિતના રાજકીય પક્ષોનો રાષ્ટ્રીય દરજ્જો પરત ખેંચ્યો છે. બીજી તરફ દિલ્હી અને પંજાબ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સારુ પ્રદર્શન કરનાર આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપવામાં આવ્યો છે.