Site icon Revoi.in

નરેન્દ્ર મોદી જુલાઈ મહિનામાં રશિયાની મુલાકાત જશે

Social Share

નવી દિલ્હીઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મોસ્કો મુલાકાત માટે આયોજન કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, એક રાજદ્વારી સૂત્રએ સંકેત આપ્યો છે કે પીએમ મોદી જુલાઈમાં રશિયાની મુલાકાતે જવાના છે. ક્રેમલિને અગાઉ માર્ચમાં જાહેરાત કરી હતી કે મોદીને રશિયાની મુલાકાત લેવાનું આમંત્રણ મળ્યું છે. સૂત્રએ એ વાતની પણ પુષ્ટિ કરી છે કે પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બેઠક થવાની છે.

પુતિને આ વર્ષે મે મહિનામાં સતત પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. જ્યારે મોદીએ 9 જૂનના રોજ સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. અગાઉ, એક નિવેદનમાં, રશિયન રાષ્ટ્રપતિએ સામાન્ય ચૂંટણીમાં ભાજપની જીત પર પીએમ મોદીને અભિનંદન આપ્યા હતા. જો વડાપ્રધાન મોદીની આ મુલાકાત થાય છે, તો 2019 પછી અને યુક્રેન યુદ્ધની શરૂઆત પછી આ તેમની પ્રથમ રશિયાની મુલાકાત હશે.

રાષ્ટ્રપતિ પુતિન છેલ્લે વર્ષ 2021માં વાર્ષિક ભારત-રશિયા સમિટ માટે નવી દિલ્હી આવ્યા હતા. છેલ્લા બે વર્ષથી આ વાર્ષિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું નથી. PM મોદી છેલ્લે 16 સપ્ટેમ્બર, 2022ના રોજ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ દરમિયાન પુતિનને મળ્યા હતા. ત્યારબાદ તેમણે યુક્રેન યુદ્ધના ઉકેલ માટે વાતચીત અને કૂટનીતિનો માર્ગ અપનાવવાની સલાહ આપી હતી.

યુએસ અને અન્ય મોટા પશ્ચિમી દેશો સાથે વધતા વ્યૂહાત્મક અને સુરક્ષા સંબંધો છતાં, ભારતે યુક્રેન પર રશિયાના આક્રમણની જાહેરમાં ટીકા કરી નથી. અમેરિકાના પ્રારંભિક દબાણ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઈલની ખરીદીમાં વધારો કર્યો હતો. આ સાથે ભારતે કહ્યું હતું કે ઘરેલું ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ પ્રકારનું પગલું જરૂરી છે. જો કે, ભારતે વારંવાર યુક્રેન યુદ્ધમાં દુશ્મનાવટનો અંત લાવવા અને કાયમી ઉકેલ શોધવા માટે વાતચીત અને રાજદ્વારી માર્ગ પર પાછા ફરવાની હિમાયત કરી છે.