પાકું ઘર એ સારી આવતીકાલનો પાયો, નરેન્દ્ર મોદીએ PM આવાસ યોજનાના લાભાર્થીને પત્ર લખ્યો
નવી દિલ્હીઃ “ઘર એ માત્ર ઈંટો અને સિમેન્ટથી બનેલું માળખું નથી, પણ તેની સાથે આપણી લાગણીઓ, આપણી આકાંક્ષાઓ જોડાયેલી છે. ઘરની બાઉન્ડ્રી વોલ આપણને માત્ર સુરક્ષા જ નથી આપતી, પરંતુ આપણામાં સારી આવતીકાલનો વિશ્વાસ પણ જગાવે છે.” આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના સુધીર કુમાર જૈનને લખેલા પત્રમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકું મકાન મેળવવા બદલ અભિનંદન આપતાં કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, તમારી પોતાની છત અને ઘર મેળવવાની ખુશી અમૂલ્ય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુધીરને પત્રમાં આગળ લખ્યું, “પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા તમારું પોતાનું ઘરનું સપનું સાકાર થયું છે. આ સિદ્ધિ પછી તમારો સંતોષ પત્રમાં તમારા શબ્દો દ્વારા સરળતાથી અનુભવી શકાય છે. આ ઘર તમારા પરિવારના ગૌરવપૂર્ણ જીવન અને તમારા બંને બાળકો માટે સારા ભવિષ્ય માટે એક નવા પાયા સમાન છે.”
મોદીએ એમ પણ કહ્યું કે પીએમ આવાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં કરોડો લાભાર્થીઓને તેમના પાકાં મકાનો મળ્યા છે. તેમણે કહ્યું કે સરકાર દરેક જરૂરિયાતમંદ પરિવારને ઘર આપવાના લક્ષ્ય માટે પ્રતિબદ્ધ છે. પીએમએ કહ્યું કે સરકાર વિવિધ જન કલ્યાણ યોજનાઓ દ્વારા દેશવાસીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કરી રહી છે. સુધીરને લખેલા પત્રમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમના જેવા લાભાર્થીઓના જીવનમાં આ યાદગાર ક્ષણો તેમને રાષ્ટ્રની સેવામાં અથાક અને અવિરતપણે કામ કરવાનું ચાલુ રાખવા માટે પ્રેરણા અને ઊર્જા આપે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુધીરને તાજેતરમાં જ પીએમ આવાસ યોજના હેઠળ પોતાનું પાકું મકાન મળ્યું અને તેણે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને તેમનો આભાર માન્યો. પ્રધાનમંત્રીને લખેલા તેમના પત્રમાં સુધીરે પીએમ આવાસ યોજનાને બેઘર ગરીબ પરિવારો માટે વરદાન ગણાવી હતી. સુધીરે લખ્યું કે તે ભાડાના મકાનમાં રહેતો હતો અને તેણે 6-7 વખત ઘર બદલ્યું હતું. અવારનવાર ઘર બદલવાની પીડા પણ તેણે શેર કરી.